Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોરોના મહામારીના કારણે મતગણતરી માટે ઇલેકશન બુથની સંખ્‍યામાં 63 ટકાનો વધારો હોવાથી બિહારની ચૂંટણી પરિણામમાં વિલંબઃ ઇવીએમ મુદ્દે આરોપને ફગાવતુ ચૂંટણી પંચ

પટણાઃ બિહારની ચૂંટણીના પરિણામમાં વિલંબ થઈ શકે છે. તેનું કારણ એ છે કે કોરોનાના લીધે મતદાનમથક દીઠ મતદારોની સંખ્યા ઘટાડીને 1,000 કરી દેવાઈ હતી. સામાન્ય રીતે દરેક મતદાન મથકમાં 1,500 મતદાર હોય છે. તેના લીધે ઇવીએમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, આ ઉપરાંત ઇલેક્શન બૂથની સંખ્યામાં પણ 63 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે, એમ તેણે ઉમેર્યુ હતું.

તેના લીધે પરિણામ આવવામાં વિલંબ થઈ શકે છે. પણ તેની સાથે આજના દિવસના અંત સુધીમાં ચૂંટણીમાં પરિણામ આવે તે સુનિશ્ચિત કરવા પર અમારુ ધ્યાન છે.

આ ઉપરાંત ચૂંટણીપંચના જણાવ્યા મુજબ બિહારમાં ત્રણ તબક્કામાં કુલ ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 4.10 કરોડ મતદારોએ મતદાન કર્યુ હતુ. તેમા મતગણતરીના દિવસે બપોરે બે વાગ્યા સુધીમાં એક કરોડ મતોની ગણતરી થઈ ચૂકી છે. હજી ત્રણ કરોડ મતની ગણતરી બાકી છે. આ સિવાય દરેક વિધાનસભા મતવિસ્તારમાં મત ગણતરીના સરેરાશ 35 રાઉન્ડ યોજાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

એકદમ સંઘર્ષપૂર્ણ મુકાબલાના લીધે મતગણતરી છેક 55 રાઉન્ડ સુધી લંબાઈ શકે છે તેમ ચૂંટણીપંચે જણાવ્યું હતું. અત્યાર સુધી મતગણતરીમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન આવ્યું નથી. કોઈપણ ઇવીએમ ખોટકાયા નથી. કોંગ્રેસના ઉદિતરાજ અને પુષ્પમ પ્રિયાની પાર્ટીએ ઇવીએમ સાથે છેડછાડના કરેલા આરોપને ચૂંટણીપંચે ફગાવી દીધા હતા. ચૂંટણી પંચે કહ્યું હતું કે આ પ્રકારના આરોપમાં કોઈપણ પ્રકારનું તથ્ય નથી. ઇવીએમ સંપૂર્ણપણે સલામત છે.

(5:17 pm IST)