Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

બિહારમાં એનડીએની સરકાર તો બનશે પરંતુ નીતિશકુમારી ઓસરતી જતી આભા સ્‍પષ્‍ટ દેખાઇઃ ભાજપ સિનીયર પાર્ટનર તરીકે ઉભરી આવ્‍યુ

નવી દિલ્હીઃ ભાજપ બિહાર વિધાનસભા ચૂંટણીમાં સિનિયર પાર્ટનર તરીકે ઉભરી આવે તેવી સંભાવના છે. ભાજપ હાલમાં 73 બેઠક પર આગળ ચાલી રહ્યો છે, તેની સામે જદયુ 47 બેઠક પર આગળ ચાલી રહ્યુ છે.

આમ બિહારમાં એનડીએની સરકાર તો બનશે, પરંતુ નીતિશકુમારની ઓસરતી જતી આભા સ્પષ્ટ દેખાઈ રહી છે. ચૂંટણી પૂર્વે બંને પક્ષ 50:50ની સીટ શેરિંગ ફોર્મ્યુલા મુજબ 243 વિધાનસભા બેઠકમાં ભાજપે 121 બેઠક અને જદ(યુ)એ 122 બેઠક પર ઉમેદવાર ઊભા રાખવા સંમતિ દાખવી હતી.

હવે જો આ ટ્રેન્ડ જળવાઈ રહે તો ભાજપ બિહાર એનડીએમાં સિનિયર પાર્ટનર તરીકે ઉભરી આવી શકે. 2015માં ભાજપ અને જદયુ અલગથી ચૂંટણી લડ્યા હતા. જદયુનું કોંગ્રેસ અને આરજેડી સાથે જોડાણ હતુ. તેણે રાજ્યમાં 71 બેઠક જીતી હતી. તે વખતે ભાજપે 53 બેઠક જીતી હતી.

2010માં બંને પક્ષોનું જોડાણ હતુ, પરંતુ જદ(યુ)ની બેઠકો વધારે હતી. નીતિશ કુમારે ત્યારે 115 બેઠક જીતી હતી, જ્યારે ભાજપે 91 બેઠક જીતી હતી. પણ 2010માં જદ(યુ) 161 બેઠક પર લડ્યુ હતુ. આમ હવે ભાજપ સરકારમાં વધારે મહત્ત્વની ભૂમિકા ભજવવા તૈયાર થઈ રહ્યુ છે. તેથી આગામી ચૂંટણીમાં ભાજપ સ્વાભાવિક રીતે વધારે બેઠકો માંગી શકે છે.

(5:17 pm IST)