Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ભારે રસાકસી બાદ આખરે મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનો ૪૯૪૯ મતે વિજયઃ પાટીદારોઍ ફરી ભગવો લહેરાવ્યો

મોરબીઃ ગુજરાતમાં 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં આઠેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. મોરબી બેઠક પર પણ ભારે રસાકસી બાદ ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. બ્રિજેશ મેરજાનો આ બેઠક પર 4949 મતે કોંગ્રેસના જયંતી પટેલ સામે વિજય થયો છે.

BJPના બ્રિજેશ મેરજાને 64711 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના જયંતી પટેલને 60,062 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર પરમાર વસંતલાલને 6649 મત મળ્યા હતા જ્યારે નોટામાં 2866 મત મળ્યા હતા. બ્રિજેશ મેરજાના પક્ષપલટાથી ગામડામાં અસર જોવા મળી હતી. જોકે, શહેરમાં મતદારોને રીઝવવામાં ભાજપ સફળ થયુ હતું.

મોરબીમાં રસાકસી પછી બ્રિજેશ મેરજાનો વિજય

મોરબી માળીયા બેઠક પર રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો. એક સમયે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ બ્રિજેશ મેરજા કરતા આગળ નીકળી ગયા હતા. જોકે, કેટલાક રાઉન્ડ પછી ફરી પાછી બ્રિજેશ મેરજાએ લીડ મેળવી હતી અને પાતળી સરસાઇથી તેમનો અંતે વિજય થયો હતો. મહત્વપૂર્ણ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી બેઠકની જવાબદારી ઉર્જા મંત્રી સૌરભ પટેલને સોપવામાં આવી હતી. સૌરભ પટેલની સૂઝબુઝને કારણે જ ભાજપ મોરબી બેઠક જીતવામાં સફળ રહ્યુ છે.

1962થી 2017 સુધી મોરબીમાં 13 વખત ચૂંટણી

1962થી 2017 સુધી મોરબી બેઠક પર 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે 7 વખત અને કોંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 1967માં સ્વતંત્ર પાર્ટીની ટિકિટ ઉપર વીવી મહેતાનો વિજય થયો હતો જ્યારે 1990માં અપક્ષ ઉમેદવાર બાબુભાઇ પટેલ 14208 મતોથી ચૂંટણી જીત્યા હતા. મોરબીમાં 70 હજાર પાટીદાર તેમજ 40 હજાર લઘુમતી મતદારો હતા. મોરબીમાં પાટીદારોએ બ્રિજેશ મેરજા પર ફરી પસંદગી ઉતારી હતી.

(5:43 pm IST)