Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મુંબઈ હાઇકોર્ટે વચગાળાના જામીન મંજુર નહીં કરતા અર્ણબ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : 2018 ની સાલમાં ઈન્ટીરીઅર ડિઝાઇનર તથા તેની માતાને આત્મહત્યા માટે મજબુર કરવાનો આરોપ

ન્યુદિલ્હી : રિપબ્લિક ટી.વી. ચીફ અર્ણબ ગોસ્વામીને મુંબઈ હાઇકોર્ટે  વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કરતા તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.2018 ની સાલમાં ઈન્ટીરીઅર ડિઝાઇનર અન્વય નાયક તથા તેમની માતા કુમુદ નાયક ને આત્મહત્યા માટે મજબુર કરવાના આરોપસર  તેમના ઉપર કરાયેલી ફરિયાદનો કેસ 2019 ની સાલમાં બંધ કરી દેવાયા પછી 2020 ની સાલમાં ફરીથી ખોલવામાં આવ્યો છે.જેના  અનુસંધાને તેમની  ધરપકડ થઇ છે.તથા 4 નવેમ્બરના રોજ  તેમને 14 દિવસ માટે હિરાસતમાં લેવાયા છે.
અર્ણબ ગોસ્વામીએ જામીન માટે કરેલી અરજી નીચલી કોર્ટે નામંજૂર કરતા તેઓ મુંબઈ હાઇકોર્ટમાં ગયા હતા.જ્યાંથી નીચલી કોર્ટમાં અપીલ કરવાની સૂચના મળતા ત્યાં તેમની સુનાવણી ચાલુ છે.જે દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટમાં મુંબઈ હાઇકોર્ટના નિર્ણય સામે પિટિશન નોંધાવી છે. જે મુજબ ચાલી રહેલા કેસમાં તેમની હિરાસતની  જરૂર નથી તેવી દલીલ કરાઈ છે.તેમની સાથે ધરપકડ કરાયેલા તેમના બે સાથીદારો ફિરોઝ શેખ તથા નીતીશ શારદા એ પણ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.
દરમિયાન રિપબ્લિક ટી.વી.ના પ્રદીપ ભંડારીએ  અર્ણબની સાથે રાજકારણ ખેલાઈ રહ્યું હોવાનું અને તેઓ મહારાષ્ટ્ર સરકારની કિન્નાખોરીનો  ભોગ બની રહ્યા હોવાથી માનવ અધિકાર પંચ સમક્ષ રજુઆત કરી હતી.જ્યાંથી સમર્થન મળતા તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નામદાર એસ.એ. બોબડેને પણ પત્ર લખી દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા  સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:06 pm IST)