Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મધ્યપ્રદેશમાં સિંધિયાનું રાજકીય કદ વધ્યું : ભાજપના વિજયથી શિવરાજસિંહની સરકાર બચાવવામાં સફળ

સિંધિયાએ માર્ચમાં 22 કોંગ્રેસ ધારાસભ્યો સાથે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ

ભોપાલ : મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી.પ્રાથમિક તારણમાં સ્પષ્ટ થઇ ગયું છે, ભાજપ આગળ છે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઈ રાજ્યસભાના સાંસદ બનેલા જ્યોતિરાદિત્ય સિંધિયાનું રાજકીય કદ વધ્યુ છે. સિંધિયાએ માર્ચમાં 22 કોંગ્રેસ ધારાસભ્યો સાથે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ, જે પછી કમલનાથની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. એવામાં આ વખતે જ્યોતિરાદિત્ય પોતાના સાથીઓની જીત ઇચ્છતા હતા જે માર્ચ મહિનામાં તેમની સાથે ભાજપમાં જોડાયા હતા.

મધ્ય પ્રદેશમાં સત્તાધારી પક્ષ ભાજપ અત્યાર સુધી 5 બેઠક જીતી ગયું છે અને 14 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ અત્યાર સુધી માત્ર 1 બેઠક જીતવામાં સફળ રહી છે અને 7 બેઠક પર આગળ છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી 1 બેઠક પર આગળ ચાલી રહી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેના પાર્ટીના વિજેતાઓને જીતની શુભેચ્છા પાઠવી દીધી છે. આ અંગે તેમણે પોતાના સત્તાવાર ટ્વીટથી જણાવ્યું કે, અમને આશા છે કે વિજેતા ઉમેદવાર જનતાની સેવા માટે ઉત્સુક બની રહેશે. જ્યારે પ્રાથમિક તારણ પછી કોંગ્રેસ નેતા કમલનાથે નિવેદન આપ્યુ છે કે, સંપૂર્ણ પરિણામ આવવા દો. અમે જનાદેશનું સન્માન કરીશું અને મતદાતાઓને આભાર વ્યક્ત કરીશું.

ઉલ્લેખનીય છે કે ભાજપને મધ્ય પ્રદેશમાં પોતાની સરકાર સાચવવા માટે માત્ર 9 બેઠકની જરૂર હતી, પરંતુ 6 વાગ્યા સુધી તે 5 બેઠક પર જીત મેળવી ચૂક્યું છે અને 14 બેઠક પર આગળ ચાલી રહ્યું છે

(6:43 pm IST)