Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોંગ્રેસના ગઢ ધારીમાં બળવાખોરએ પાડ્યું ગાબડુ : કાકડિયા જીત્યા ખરા પણ લીડ ઘટી

2017માં કોંગ્રેસના ઉમેદવાર જેવી કાકડિયા ભાજપના સંઘાણી સામે 18336 મતથી જીત્યા હતા: મતદારો પર પક્ષપલ્ટાની અસર નહીં

ગુજરાતમાં 8 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આઠે આઠ બેઠક જીતી ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. પાટીદારોના ગઢ ગણાતી ધારી બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપના જેવી કાકડિયાનો વિજય થયો છે.

ધારીમાં ભારતીય જનતા પાર્ટીના જેવી કાકડિયાને 49695 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના સુરેશ કોટડિયાને 32592 મત મળ્યા હતા. ધારીમાં જેવી કાકડિયા જીત્યા તો ખરા પણ ગત વખતની જેમ આ વખતે તેમની લીડનું માર્જિન ઓછુ થયુ હતું. ધારી બેઠક પર નોટામાં 2357 મત પડ્યા હતા. જેવી કાકડિયાનો 17209 મતે વિજય થયો હતો

ધારી બેઠક પર જેવી કાકડિયા આયાતી ઉમેદવાર છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેવી કાકડિયા ભાજપના દિલીપ સંઘાણી સામે 18336 મતથી જીત્યા હતા. જેવી કાકડિયા પેટા ચૂંટણી પહેલા 16 કરોડ રૂપિયામાં વહેચાયા હોવાનો આરોપ લાગ્યો હતો અને પક્ષ પલટો કરતા સ્થાનિકોમાં રોષની લાગણી પણ જોવા મળતી હતી. જોકે, પેટા ચૂંટણીના પરિણામમાં આવી કોઇ અસર જોવા મળી હતી.

ધારી બેઠકને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે પણ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચિત્ર બદલાયુ હતું. કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયેલા જેવી કાકડિયાની લોહચાહના ઓછી થઇ હતી. જેવી કાકડિયાની જીત બાદ ‘જીતશે ધારી, જીતશે ભાજપ…’ના નારા મતદાન બૂથની બહાર લાગ્યા હતા. અમરેલીની ધારી બેઠક પર કોંગ્રેસના 5 ઉમેદવાર ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે જ્યારે ભાજપમાંથી હવે જેવી કાકડિયાની સાથે ચાર ઉમેદવાર ચૂંટાયા છે અને ધારાસભ્ય બન્યા છે. એક વખત પરિવર્તન પાર્ટીના એક ઉમેદવાર પણ ધારાસભ્ય બનીને ચૂંટાયા હતા.

(7:07 pm IST)