Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની સંપત્તિઓની પાણીના ભાવે વેચાઈ : દિલ્હીના બે વકીલોએ 6 સંપત્તિ માત્ર 22,79,600 રુપિયામાં ખરીદી

હરાજીમાં પૂર્વજોની હવેલીના 11.2 લાખ, બે માળના બંગલાના 5 લાખ આવ્યા :મોંઘા ભાવને કારણે ડોન ઇકબાલ મિરચીની કોઇ પ્રોપર્ટી ન વેચાઇ

નવી દિલ્હી ભારતના સૌથી વોન્ટેડ આતંકી અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની સંપત્તિઓની કોડીઓના ભાવે હરાજી થઇ ગઇ. દિલ્હીના બે વકીલે દાઉદની 6 સંપત્તિ માત્ર 22,79,600 રુપિયામાં ખરીદી લીધી. જ્યારે મોંઘા ભાવને કારણે ડોન ઇકબાલ મિરચીની સંપત્તિઓના કોઇ લેવાલ મળ્યા નહીં.

 સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપુલેટર્સ એક્ટ (SAFEMA) હેઠળ ડોન દાઉદ ઇબ્રાહીમની સંપત્તિઓની મંગળવારે હરાજી કરવામાં આવી હતી. કોવિડ-19ને કારણે હરાજી વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી થઇ હતી.નોંધનીય છે કે SAFEMAની કલમ 68F હેઠળ વોન્ટેડ ગુનેગારો અને તેમના પરિવારો, સંબંધીઓની સંપત્તિ પર કાર્યવાહી કરી શકાશે

 દિલ્હીના વકીલ અજય શ્રીવાસ્તવે દાઉદની 2 અને વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજે 4 પ્રોપર્ટી ખરીદી છે. દાઉદની 4,5,7 અને 8 નંબરની પ્રોપર્ટી ભૂપેન્દ્રકુમારે, જ્યારે 6 અને 9 નંબરની સંપત્તિ અજય શ્રીવાસ્તવે ખરીદી છે. 10 નંબરની સંપત્તિ ટેક્નિકલ કારણોથી હરાજી થઇ નહીં. તેના માર્કિંગ અંગે કોઇ વિવાદ થયો હતો.

 SAFEMA હોઠળ મંગળવારે કુલ 17 પ્રોપર્ટી હરાજી માટે હતી. તપાસ અધિકારી મુનાફ સૈયદે જણાવ્યું કે રત્નાગિરીના ખેડમાં દાઉદની 13 સંપત્તિ છે. જેમાંથી 6ની હરાજી થઇ ગઇ. આ તમામ સંપત્તિઓની કિંમત આશરે 80 લાખ રુપિયા લગાવવામાં આવી હતી. જેમાં રત્નાગિરીની તેના પુર્વજોની હવેલી માત્ર 11.2 લાખમાં વેચાઇ. હતી

ઉપરાંત ખેડ તાલુકાના મુમ્બાકે ગામમાં એક જમીનનો ટુકડો છે. તેના 1.38 લાખ ઉપજ્યા. જ્યારે એક જમીન અને તેના પર બે માળના બંગલાની પણ હરાજી થઇ હતી. જેની બેઝ કિંમત 5 લાખ રુપિયા રાખવામાં આવી હતી. પેટ્રોલ પમ્પના નામે લેવામાં આવેલી જમીનની પણ હરાજી કરાઇ.હરાજીમાં ઇકબાલ મિરચીનો જુહૂનો બંગલો આ વખતે પણ વેચાયો નહીં. વધુ ભાવ હોવાના નામે બોલી લગાવનારાઓે હાથ ખેંચી લીધા. ઇડીએ દાઉદના સાથી ઇકબાલ મિરચીના પરિવારના સભ્યોની 7 પ્રોપર્ટી ગત મહિને અટેચ કરી હતી.

જેમાં એક સિનેમા હોલ, એક હોટેલ, એક અન્ડર કન્સ્ટ્રક્શન હોટેલ, બે બંગલા અને પંચગિનીની 3.5 એકર જમીન સામેલ છે. તેની જપ્ત કરાયેલી સંપત્તિની કુલ કિંમત 22 કરોડ રુપિયાથી વધુ રાખવામાં આવી છે.2018માં નાગપાડામાં બનેલી દાઉદ ની અફરોઝ હોટેલ, ડામ્બરવાલા બિલ્ડિંગ અને શબનમ ગેસ્ટ હાઉસની હરાજી થઇ હતી. ત્યાર બાદ દાઉદની બહેન હસીના પારકરનો ફ્લેટ પણ વેચી દેવાયો.

90ના દાયકામાં દાણચોરી, ખંડણી, આતંકવાદી ગતિવિધિઓ, નકલી નોટોનું પ્રિન્ટિંગ, ડ્રગ, ગેરકાયદેસર હથિયારોની દાણચોરી, રિયલ એસ્ટેટ, ગુટખા, હોટેલ બિઝનેસ અને કાળા ધંધાથી કમાયેલા પૈસાથી દાઉદે

પાકિસ્તાન, આરબ અમિરાત, તુર્કી સહિત વિશ્વના ઘણા ભાગોમાં અબજોની સંપત્તિ બનાવી છે. પરંતુ હવે તેની પુર્વજોની સંપત્તિ કોડીઓના ભાવે વેચાઇ.

(10:31 pm IST)