Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોરોના વેક્સિનેશનઃ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક

દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન શરૂ થશે : કોરોના વાયરસ રસીની મંજૂરી બાદ હવે દેશમાં રસીકરણને લઈને તૈયારીઓ મિશન મોડમાં છે : બેઠક સાંજે ૪ વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે

નવી દિલ્હી, તા. ૧૦ : કોરોના વાયરસ રસીની મંજૂરી બાદ હવે દેશમાં રસીકરણને લઈને તૈયારીઓ મિશન મોડમાં છે. કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમ ૧૬ જાન્યુઆરીથી દેશમાં શરૂ થવાનો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના રસીને લઈને વાત કરશે. આ બેઠક સોમવારે સાંજે ૪ વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. આ બેઠકને કોરોના રસીકરણ પહેલાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રસી બનાવતી બે મોટી કંપનીઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની કોવિશિલ્ડ અને કોવાક્સિનને મંજૂરી મળી છે. બધા રાજ્યોએ રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દિલ્હી સરકારે રવિવારે કોરોનાને હરાવવા માટે તેની રસીકરણ યોજના જાહેર કરી હતી. ૧૬ જાન્યુઆરીએ કોવિડ -૧૯ રસી દિલ્હીમાં ૮૯ સ્થળોએ લગાવવામાં આવશે. દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ માહિતી આપી. આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં ફક્ત હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. ૧૬ જાન્યુઆરીએ દિલ્હીની ૩૬ સરકારી હોસ્પિટલો અને ૫૩ ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ યોજવામાં આવશે. આ રસી ૧૨ અથવા ૧૩ જાન્યુઆરી સુધીમાં દિલ્હી આવશે.

રાજસ્થાનમાં રસીકરણ માટેની તૈયારીઓ પણ તીવ્ર થઈ ગઈ છે. કોરોના રસીકરણ અંગે રાજ્યની તૈયારીઓ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ પણ મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે માહિતી આપી છે. મીડિયાને માહિતી આપતા રઘુ શર્માએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોવિડ રસીકરણનો ડ્રાય રન ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સાત જિલ્લાના ૧૮ સ્થળોએ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં પણ, કોવિડ રસીકરણનો ડ્રાય રન ૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ તમામ ૩૪ જિલ્લામાં ૧૦૩ સ્થળોએસફળતાપૂર્વક કરવામાં આવ્યો છે.

પંજાબમાં, રસીકરણ માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે, આવી સ્થિતિમાં, રાજ્ય સરકાર ખાતરી કરવા માંગે છે કે રસીકરણના કિસ્સામાં કંઇ રહી ન જાય. રસીકરણના મુદ્દે પ્રતિક્રિયા આપતા પંજાબ સરકારના કેબિનેટ મંત્રી ભારત ભૂષણ આશુએ કહ્યું કે રસીકરણ અંગે કોઇ વિવાદ ન થવો જોઈએ. હું વૈજ્ઞાનિકોનો કોરોના રસી વિકસાવવા અને કાર્યરત કરવા બદલ આભાર માનું છું.

(12:00 am IST)