Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

દેશમાં 20 લાખથી વધુ અયોગ્ય લાભાર્થીઓને મળ્યા 1364 કરોડ: આરટીઆઇમાં મોટો ખુલાસો

સૌથી વધુ અયોગ્ય લાભાર્થીઓ પંજાબમાં: વસૂલીની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM-KISAN) અંતર્ગત 20.48 લાખ અયોગ્ય લાભાર્થીઓને 1,364 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આ જાણકારી કેન્દ્રીય કૃષિ મંત્રાલયે RTI અંતર્ગત માંગવામાં આવેલી માહિતીના જવાબમાં આપી છે.

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે 2019માં કરી હતી. જે અંતર્ગત નાના ખેડૂતો જેમની પાસે બે હેક્ટરથી ઓછી ખેતી લાયક જમીન છે, તેમને વર્ષમાં 3 વખત હપ્તામાં 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. RTIના જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું કે, અયોગ્ય લાભાર્થીઓની બે કેટેગરીમાં ઓળખ કરવામાં આવી છે.

પ્રથમ કેટેગરીમાં લાયકાત પૂરી નહીં કરનારા ખેડૂતોની છે. જ્યારે બીજી કેટેગરીમાં ઈન્કમટેક્સ ભરનારા ખેડૂતોની છે. કૉમનવેલ્થ હ્યૂમન રાઈટ્સ ઈનિશિએટિવ (CHRI)થી સંલગ્ન RTI અરજકર્તા વેંકટેશ નાયકે આ આંકડ સરકાર પાસેથી પ્રાપ્ત કર્યાં છે. તેણે જણાવ્યું કે, અયોગ્ય લાભાર્થીઓમાંથી અડધાથી વધુ (55.58%) કરદાતાઓની કેટેગરીમાં આવે છે. જ્યારે અન્ય 44.41 ટકા એવા ખેડૂતો છે, જે યોજનાની લાયકાતમાં ફીટ નથી બેસતા.

અયોગ્ય લાભાર્થીઓને ચૂકવવામાં આવેલી રકમ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આંકડા અનુસાર, અયોગ્ય લાભાર્થીઓની મોટી સંખ્યા પંજાબ, અસમ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં છે.Farmers
પંજાબમાં સૌથી વધુ અયોગ્ય લાભાર્થીઓ છે. કુલ અયોગ્ય લાભાર્થીઓમાંથી 23.6 ટકા એટલે કે 4.74 લાખ પંજાબમાં રહે છે. જે બાદ 16.8 ટકા એટલે કે 3.45 લાખ અયોગ્ય લાભાર્થીઓ સાથે અસમનો ક્રમ આવે છે. જ્યારે અયોગ્ય લાભાર્થીઓમાંથી 13.99 ટકા (2.86 લાખ લાભાર્થી) મહારાષ્ટ્રમાં રહે છે. આમ આ ત્રણ રાજ્યોમાં જ અયોગ્ય મળી આવેલા લાભાર્થીઓની અડધાથી અધિક 54.03 સંખ્યા રહે છે.

ગુજરાતમાં કુલ અયોગ્ય લાભાર્થીની સંખ્યા 8.05 ટકા એટલે કે 1.64 લાખ છે. ઉત્તર પ્રદેશમાં 8.01 ટકા (1.64 લાખ) અયોગ્ય લાભાર્થીઓ રહે છે. સિક્કિમમાં માત્ર એક અયોગ્ય લાભાર્થીની જાણ થઈ છે, જે કોઈ એક રાજ્યમાં સૌથી ઓછા છે.

(12:00 am IST)