Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ભારતમાં ૨૦૦૦૦થી ઓછો કોરોનાના નવા કેસ નોંધાયા

એક્ટિવ કેસનો આંકડો સવા ૨ લાખથી નીચો : ભારતમાં એક દિવસમાં જેટલા કેસ નોંધાયા તેના કરતા વધારે દર્દીઓ સાજા થઈ ગયા : આંક ૧,૦૦,૭૫,૯૫૦

નવી દિલ્હી, તા. ૧૦ : ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૨૦,૦૦૦ કરતા નીચો નોંધાયો છે. આ સાથે મૃત્યુઆંક પણ ૨૦૦ની એકદમ નજીક પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં ૧૮,૬૪૫ કેસ નોંધાયા છે જ્યારે ૨૦૧ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

આ સાથે ભારતમાં કુલ કેસનો આંકડો ૧,૦૪,૫૦,૨૮૪ પર પહોંચી ગયો છે જ્યારે એક્ટિવ કેસનો આંકડો સવા બે લાખની પણ અંદર આવીને ૨,૨૩,૩૩૫ પર પહોંચ્યો છે. ભારતમાં કોરોના વાયરના નવા કેસ નોંધાયા તેના કરતા વધુ એટલે કે ૧૯,૨૯૯ દર્દીઓને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના કારણે સાજા થયેલા દર્દીઓનો આંકડો ૧,૦૦,૭૫,૯૫૦ થઈ ગયો છે જ્યારે ૨૦૧ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૦,૯૯૯ પર પહોંચી ગયો છે.

હાલ દેશમાં અલગ-અલગ રાજ્યોમાં રહેલા એક્ટિવ કેસના આંકડા પર નજર કરીએ તો સૌથી વધારે ૬૪,૫૧૬ એક્ટિવ કેસ કેરળમાં છે જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્રમાં ૫૪,૧૨૯ કેસ છે. ICMRના આંકડા પ્રમાણે ગઈકાલે ૮,૪૩,૩૦૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ૯ જાન્યુઆરી સુધીના ટેસ્ટનો આંકડો ૧૮,૧૦,૯૬,૬૨૨ સુધી પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રીએ શનિવારે જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસ આવવાની ટકાવારી ઘટીને ૫.૭૯ થઈ છે, જેમાંથી માત્ર ૨.૧૫% જ પોઝિટિવ કેસ આવે છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેકની રસીના ઈમર્જન્સીના ઉપયોગ પર DCGI દ્વારા રોક લગાવ્યા બાદ, સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ૧૬ જાન્યુઆરીથી કોરોના વેક્સીન ડ્રાઈવની શરુઆત કરવામાં આવશે. આ અગેનો નિર્ણય આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી કોરોનાની સ્થિતિ વિશે જાણવાની રિવ્યૂ બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.

(12:00 am IST)