Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

બિહાર એનડીએમાં આંતરિક ડખ્ખા : જેડીયુ બાદ હવે માંઝીએ ભાજપ પર સાધ્યુ નિશાન: કહ્યું નીતીશકુમાર સાથે દગો થયો

માંઝીએ લખ્યું કે, તેજસ્વી યાદવ તમે બિહારનું ભવિષ્ય છો. જો કે તમારે બેફામ નિવેદનોથી બચવું જોઈએ. યોગ્ય સમયે બધુ ઠીક થઈ જશે

પટના :બિહારમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ અને નીતિશ કુમારની આગેવાનીમાં NDA સરકાર બનાવવામાં સફળ રહી. જો કે તેજસ્વી યાદવની આગેવાનીમાં ચૂંટણી જંગમાં ઉતરેલી વિપક્ષી ગઠબંધને પણ કાંટાની ટક્કર આપી હતી. ચૂંટણીના પરિણામો બાદ રાજકારણ ગરમાયુ છે અને આરોપ-પ્રત્યારોપ અને ચૂંટણીમાં ગરબડનો આરોપ લગાવાઈ રહ્યો છે.આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી વાત એ રહી કે, નીતિશકુમારી પાર્ટી જનતાદળ યુનાઈટેડનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. જ્યારે ભાજપે શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ વખત બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.

ભાજપની રાજકીય રણનીતિમાં JDUના નિરાશાજનક પ્રદર્શન બાદ NDAમાં આંતરિક ડખ્ખા શરૂ થઈ ગયા છે. JDUની પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના અનેક નેતાઓએ પોતાના ઉમેદવારોની હાર પાછળ ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું. હવે NDAના વધુ એક સહયોગી હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM) દ્વારા પણ ભાજપ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.

HAMના ચીફ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ ભાજપ પર નિશાન સાધતા તેણે ષડયંત્ર રચનારી પાર્ટી ગણાવી છે. ભાજપનું નામ લીધા વિના માંઝીએ કહ્યું કે, નીતિશ કુમાર સાથે ચૂંટણીમાં કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. જો કે તેમણે કહ્યું કે, નીતિશકુમારની આગેવાનીમાં સરકાર 5 વર્ષ પૂરા કરશે.

જે બાદ અન્ય એક ટ્વીટમાં જીતનરામ માંઝીએ  નેતા વિપક્ષ તેજસ્વી યાદવને બિહારનું ભવિષ્ય ગણાવ્યું છે. માંઝીએ લખ્યું કે, તેજસ્વી યાદવ તમે બિહારનું ભવિષ્ય છો. જો કે તમારે બેફામ નિવેદનોથી બચનું જોઈએ. યોગ્ય સમયે બધુ ઠીક થઈ જશે, તમે માત્ર પોઝિટિવ રાજનીતિ કરતા રહો

માંઝીએ  ટ્વીટ કરીને નીતિશકુમારના ભરપુર વખાણ કર્યા અને કહ્યું કે, તેમને ગઠબંધન ધર્મ સારી રીતે નિભાવતા આવડે છે. તેમણે કહ્યું કે, NDA ગઠબંધનમાં સામેલ પાર્ટીના આંતરિક વિરોધ અને ષડયંત્ર છતાં પણ તેમનો સહયોગ કરવો નીતિશકુમારની મહાનતા છે.

માંઝીએ જણાવ્યું કે, જો રાજનીતિમાં ગઠબંધન ધર્મ શીખવો હોય, તો નીતિશકુમાર પાસેથી શીખી શકાય છે. તેમણે આગળ લખ્યું કે, નીતિશકુમારને સલામ. રાજકીય વિષ્લેશકોનું માનવું છે કે, બિહાર NDAમાં આંતરિક ડખ્ખા વચ્ચે મંત્રી મંડળમાં વધુ એક સ્થાન સાથે MLC સીટને લઈને પણ માંઝી દબાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

(12:00 am IST)