Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

હવે સૂરીનામના ભારતીય મૂળના રાષ્ટ્રપ્રમુખ હશે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ

આ પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના હતા

નવી દિલ્હી,તા. ૧૧: સૂરીનામ ગણરાજયના રાષ્ટ્રપ્રુમખ ચંદ્રિકાપ્રસાદ સંતોષી ૨૬ જાન્યુઆરીએ ભારતના ગણતંત્ર દિવસ પરેડ માં મુખ્ય અતિથિ હશે. સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. ભારતીય મૂળના સંતોષી રાજપથ પરેડમાં સામેલ થશે.

આ પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન  ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના હતા, પરંતુ બ્રિટનમાં કોરોના વાયર ના નવા સ્ટ્રેનથી વધેલા પ્રકોપને કારણે તેઓએ પોતાની ભારત યાત્રા રદ કરી દીધી હતી. ત્યારબાદ સરકાર તરફથી સૂરીનામના રાષ્ટ્રપ્રમુખને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેઓએ તેને સહર્ષ સ્વીકારી લીધું છે.

સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ આ પહેલા શનિવારે પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. જયાં તેઓએ પોતાના દેશ અને ભારતની વચ્ચે લોકોની મુકત અવર-જવર માટે એક પ્રસ્તાવ આપ્યો. તેની સાથે જ તેઓએ દ્વીપક્ષીય વ્યાપાર અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનું સમર્થન કર્યું.

સૂરીનામના ભારતીય મૂળના રાષ્ટ્રપ્રમુખે પ્રવાસી ભારતીય દિવસના ડિજિટલ માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, સૂરીનામથી ભારત આવનારા યાત્રીઓ માટે વીઝા પરમીટ સમાપ્ત કરીને આ દિશામાં પહેલું પગલું ઉઠાવવા માટે સૂરીનામ તૈયાર છે. તેઓએ કહ્યું કે વ્યાપાર અને પર્યટનના ક્ષેત્રમાં બંને દેશોની વચ્ચે સહયોગ વધારવાની પ્રબળ શકયતાઓ પણ છે.

(10:13 am IST)