Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

તિજોરી ભરવા કોવિડ ટેકસ લગાવવાની તૈયારી

કોવિડ-૧૯ અને તેના રસીકરણનો જંગી ખર્ચ થવાનો છેઃ સરકારે ખર્ચને નિપટવા સેસ કે સરચાર્જ લગાવવાની સંભાવનાઓ પર વિચારણા શરૂ કરી : સરકાર શ્રીમંતો પર આ ટેકસ ઝીકે તેવી શકયતાઃ ઈનડાયરેકટ ટેકસ પર પણ સેસ લગાવવા ઉચ્‍ચ કક્ષાએ વિચારણા

નવી દિલ્‍હી, તા. ૧૧ : નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટની તૈયારી જોરશોરથી થઈ રહી છે. સરકાર કોવિડ-૧૯ મહામારીને નિપટવામાં થયેલા વધારાના ખર્ચની ભરપાઈ કરવા માટે કોવિડ-૧૯ સેસ અથવા તો સરચાર્જ લગાવવાની સંભાવના તપાસી રહી છે. આમા વેકસીન પર થનારો ખર્ચ પણ સામેલ છે. કોવિડને કારણે સરકારના ખર્ચમાં ભારેખમ વધારો થયો છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે સરકારે સેસ કે સરચાર્જની વિચારણા શરૂ કરી છે. આવક વધારવા માટે આ સ્‍વરૂપે નવો કર લગાવવા અંગે અંતિમ ફેંસલો બજેટની આસપાસ લેવામાં આવશે. બજેટ ૧લી ફેબ્રુઆરીના રોજ આવવાનું છે. ઉદ્યોગની માંગ છે કે કોઈ નવા ટેકસ લાદવા ન જોઈએ કારણ કે ઈકોનોમી પહેલીથી દબાણમાં છે. નિષ્‍ણાંતોએ પણ નવો ટેકસ લગાવવાનો વિરોધ કર્યો છે. હાલ યોગ્‍ય સમય નહી હોવાનુ તેઓનુ કહેવુ છે.

સૂત્રોનું કહેવુ છે કે સેસ લગાવવાના પ્રસ્‍તાવ પર ચર્ચા થઈ છે. પ્રારંભે એવી ચર્ચા થઈ હતી કે અમીરો અને કેટલાક ઈનડાયરેકટ ટેકસ પર સેસ લગાવવામાં આવે. એક પ્રસ્‍તાવ એ પણ છે કે પેટ્રોલીયમ કે ડીઝલ પર એકસાઈઝ કે કસ્‍ટમ ડયુટી પર સેસ લગાવવામાં આવે. જીએસટી પર કાઉન્‍સીલ નિર્ણય લઈ શકે છે અને કેન્‍દ્ર પોતાના તરફથી આ બાબતે કોઈ સેસ લગાવી ન શકે. અનુમાનો અનુસાર દેશમાં રસીકરણ પાછળ ૬૦,૦૦૦થી ૬૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. દેશમાં ૧૬મીથી વેકસીનનો કાર્યક્રમ શરૂ થવાનો છે.

અત્રે એ નોંધનીય છે કે વિવિધ દેશોએ કોવિડ-૧૯ના ખર્ચને પહોંચી વળવા વિવિધ પ્રકારના ટેકસ લગાવવાનુ શરૂ કર્યુ છે. આ ટેકસથી સરકારની આવક વધશે અને તેનાથી આ વેકસીનનો ખર્ચ કાઢવામાં આવશે.

(10:20 am IST)