Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઇન્ડોનેશિયામાં ભારે વરસાદથી બે સ્થળે ભેખડો ધસી પડતાં 11 લોકોના મોત : 18 લોકો ઘાયલ

બચાવ કામગીરી વેળાએ જ બીજી ભેખડ ધસી પડી

જકાર્તા : ઇન્ડોનેશિયામાં ભારે વરસાદથી બે સ્થળે ભેખડો ધસી પડતાં 11 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 18 જણ ઘાયલ થયા છે. બચાવ-રાહતના કર્મચારીઓ પશ્ચિમ જાવાના સુમેદંગ જિલ્લાના સિહાનજુઆંગ ગામે ધસી પડેલી ભેખડોના લીધે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીમાં વ્યસ્ત હતા, ત્યારે ત્યાં બીજી ભેખડ ધસી પડી હતી, એમ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવકતા રાદિત્ય જતીએ કહ્યું.

કેટલાક બચાવકારો પણ દુર્ઘટનામાં ફસાયા હતા. વરસાદ શનિવારે રાત્રે બંધ રહ્યો હતો. ભેખડો ધસી પડવાથી પુલ અને માર્ગો પર અવરોધો પથરાયા હતા. સત્તાવાળાઓ કાટમાળને સાફ કરવા માટે ભારે સાધન સામગ્રી લાવવા પ્રયત્નશીલ છે.

ઇન્ડોનેશિયામાં હાલમાં થઇ રહેલા મોસમી વરસાદ અને તાજેતરમા આવેલી મોટી ભરતીથી ડઝનબંધ સ્થળોએ ભેખડો ધસી પડી હતી. લગભગ સમગ્ર ઇન્ડોનેશિયામાં ભારે પૂર આવ્યા છે. 17000 ટાપુઓમાં પથરાયેલા આ દેશમાં લાખો લોકો પર્વતીય વિસ્તારોમાં રહે છે.

(1:49 pm IST)