Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોવિશિલ્ડના ૧૧ મિલિયન ડોઝનો સીરમને ઓર્ડર અપાયો

૧૬ જાન્યુઆરીથી દેશમાં રસીકરણની શરૂઆત થશે : દેશમાં ડોઝની કિંમત ૨૧૦ રૂપિયા : સીરમે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તૈયાર કરેલી વેક્સિનનું ઉત્પાદન કર્યું છે

નવી દિલ્હી, તા.૧૧ : ભારતમાં૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વેક્સિન આપવાની શરૂઆત થવાની છે. તે માટે સરકારે સોમવારે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાને વેક્સિન કોવિશિલ્ડના ૧૧ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીરમ ઈન્સ્ટિટ્યુટને સરકાર દ્વારા વેક્સિન ખરીદવાનો ઓર્ડર મળ્યો છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, વેક્સિનની કિંમત ૨૧૦ પ્રતિ વાયલ (ડોઝ) હશે.

સરકારે કોવિડ-૧૯ની વેક્સિન માટે બે કંપનીઓને મંજૂરી આપી છે. સરકારે સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થશે. સીરમે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનનું ઉત્પાદન કર્યું છે. દેશમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને સૌ પ્રથમ વેક્સિન આપવામાં આવશે અને તેમની સંખ્યા ત્રણ કરોડ જેટલી છે. ત્યારબાદ ૫૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને તથા ૫૦ વર્ષથી નીચેની ઉંમરના લોકો કે જેમને અન્ય બીમારીઓ છે તેમને વેક્સિન આપવામાં આવશે જેમની સંખ્યા ૨૭ કરોડની આસપાસ છે.

(8:53 pm IST)