Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

PNB ના ગ્રાહકોને જોરદાર ઝટકો: મિનિમમ બેલેન્સ રાખવું પડશે ડબલ : ઓછું હશે તો લાગશે બમણો ચાર્જ

બેંકે સામાન્ય બેંકિંગ કામગીરી સંબંધિત વિવિધ સેવાઓ માટેના શુલ્કમાં વધારો કર્યો : આ ફેરફારો આગામી 15 જાન્યુઆરી 2022થી લાગુ થશે.

નવી દિલ્હી :  પંજાબ નેશનલ બેંક (PNB) એ નવા વર્ષ પર તેના ગ્રાહકોને જોરદાર ઝટકો આપ્યો છે. સરકારી બેંકે સામાન્ય બેંકિંગ કામગીરી સંબંધિત વિવિધ સેવાઓ માટેના શુલ્કમાં વધારો કર્યો છે. આ ફેરફારો આગામી 15 જાન્યુઆરી 2022થી લાગુ થશે

PNB વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ બેંકે બચત ખાતા, લોકર, ડિમાન્ડ ડ્રાફ્ટ અને કરન્ટ અકાઉન્ટ જેવી સુવિધાઓના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે.

હવે સેવિંગ્સ અકાઉન્ટમાં ઓછું બેલેન્સ રાખવાનો ચાર્જ પણ બમણો કરી દેવામાં આવ્યો છે. ડિમાન્ડ ડ્રાફ્ટ રદ કરવા માટે હવે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

PNBની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ હવે શહેરી વિસ્તારોમાં રહેતા ગ્રાહકો માટે તેમના સેવિંગ અકાઉન્ટમાં મિનિમમ 10,000 રૂપિયાનું બેલેન્સ હોવું જરૂરી છે. અત્યાર સુધી આ રકમ 5,000 રૂપિયા હતી. ઓછા બેલેન્સ પરનો ચાર્જ પણ બમણો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તે 300 રૂપિયા હતો. હવે તે 600 છે. જો મિનિમમ બેલેન્સ કરતાં ઓછી રકમ હોય તો ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહકોએ 200 રૂપિયાને બદલે 400 રૂપિયા પ્રતિ ક્વાર્ટર ચૂકવવા પડશે.

PNBએ લોકર ચાર્જીસમાં પણ ફેરફાર કર્યા છે. એક્સ્ટ્રા-લાર્જ સાઈઝના લોકર સિવાયના તમામ પ્રકારના લોકર્સ પર હવે વધુ ફી ચૂકવવી પડશે. શહેરી અને મહાનગરોમાં લોકર ચાર્જ વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે. નાની સાઇઝના લોકરનો ચાર્જ ગ્રામીણ વિસ્તારોમાં પહેલા એક હજાર રૂપિયા હતો, જેને વધારીને 1,250 રૂપિયા કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં નાના લોકરનો ચાર્જ 1500 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવામાં આવ્યો છે. મધ્યમ કદના લોકરનો ચાર્જ ગ્રામીણ વિસ્તારોમાં 2,000 રૂપિયાથી વધીને 2,500 રૂપિયા થયો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 3,000 રૂપિયાથી વધીને 3,500 રૂપિયા થયો છે.

PNBએ લોકર વિઝિટની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે. હવે તમે વર્ષમાં 12 વખત લોકર વિઝિટ કરી શકો છો. તેના પછી દરેક વિઝિટ પર 100 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે. નોંધનીય છે કે અત્યાર સુધી લોકર વિઝિટની સુવિધા 15 વખત ઉપલબ્ધ હતી. એટલે કે હવે તમે તમારા લોકરને જોવા માટે ઓછી વિઝિટ કરી શકશો.

હવે જો તમે બેંકમાં કરન્ટ અકાઉન્ટ ખોલ્યાના 14 દિવસ અને એક વર્ષની અંદર કરન્ટી અતાઉન્ટ બંધ કરો છો, તો 800 રૂપિયાની ફી ચૂકવવી પડશે. અત્યાર સુધી તે રૂ. 600 હતો. આ ઉપરાંત 1 ફેબ્રુઆરીથી જો તમારા કોઈપણ હપ્તા અથવા રોકાણનું ડેબિટ રૂપિયાના અભાવને કારણે નિષ્ફળ જાય છે, તો તેના માટે 250 રૂપિયા ચૂકવવા પડશે. અત્યાર સુધી તેના માટે 100 રૂપિયા ચુકવવા પડતા હતા. જો તમે ડિમાન્ડ ડ્રાફ્ટને કેન્સિલ કરો છો, તો હવે તમારે 150 રૂપિયા ચાર્જ ચૂકવવા પડશે. તેના માટે ગ્રાહકને હાલ 100 રૂપિયા આપવાના હતા..

(12:00 am IST)