Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

નીરજ ચોપરાના ગામમાં ગોલ્ડન કલરનું પોસ્ટ બોક્સ મૂકાયું

ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ખેલાડીનું સન્માન : સોશિયલ મીડિયા પર આ પોસ્ટ બોક્સની તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચર્ચિત બની છે

નવી દિલ્હી, તા.૧૦ : ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા નીરજ ચોપરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ભારતીય ડાક વિભાગે હરિયાણાના પાનીપત ખાતે આવેલા નીરજ ચોપરાના ગામમાં એક ગોલ્ડન કલરનું પોસ્ટ બોક્સ લગાવ્યું છે જેના પર નીરજનું નામ પણ લખ્યું છેસોશિયલ મીડિયા પર પોસ્ટ બોક્સની તસવીરો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચર્ચિત બની છે. અનેક અધિકારીઓ અને ચાહકોએ તસવીર શેર કરી છે અને ભારતીય ડાક વિભાગે તેના પર સૌનો આભાર માન્યો છે.

હરિયાણાના ખંડરા ગામમાં લાગેલા ગોલ્ડન કલરના પોસ્ટ બોક્સ પર લખ્યું છે કે, શ્રી નીરજ ચોપરા, ભાલા ફેંક સુવર્ણ પદક વિજેતા ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦ના સન્માનમાં. સોશિયલ મીડિયામાં લોકોને પોસ્ટ બોક્સ ખૂબ પસંદ આવી રહ્યું છે.

નીરજ ચોપરા હાલ અમેરિકામાં છે અને ત્યાં તેમણે અત્યારથી પેરિસ ઓલમ્પિકની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીરજ ચોપરાએ તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ જિમમાં પરસેવો વહાવતા જોવા મળ્યા હતા.

નીરજ ચોપરાએ ટોક્યો ઓલમ્પિકમાં ૮૭.૫૮ મીટર દૂર ભાલો ફેંકીને ઈતિહાસ સર્જ્યો હતો અને ખાનગી સ્તરની રમતમાં ભારત માટે ઓલમ્પિકમાં ગોલ્ડ જીતનારા બીજા ખેલાડી બન્યા હતા. ગોલ્ડ જીત્યા બાદ નીરજ ચોપરા સોશિયલ મીડિયાથી લઈને એડ વર્લ્ડમાં છવાઈ ગયા છે.

(12:00 am IST)