Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મેડિકલ સાયન્સનો ચમત્કાર!

માણસના શરીરમાં ધડકશે ભૂંડનું હ્રદયઃ ડોકટરોએ રચ્યો ઇતિહાસ

ન્યુયોર્ક,તા. ૧૧: અમેરિકામાં ડોકટરોએ એક માણસમાં ભૂંડનું હ્રદય સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને તેને નવા વરસમાં નવી જિંદગીની ભેટ આપી હતી. આ મેડિકલ જગતનો ચમત્કાર છે અને ઇતિહાસ રચાઇ ગયો છે.

અમેરિકન સર્જનોએ નવા વર્ષના પ્રથમ મહિનામાં જ મોટી સફળતા હાંસલ કરી છે. તેણે જીનેટિકલી મોડિફાઈડ ડુક્કરના હૃદયને ૫૭ વર્ષના માણસમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને ઈતિહાસ રચી દીધો છે.

વિશ્વના મેડિકલ જગત માટે આ એક સારા સમાચાર છે. આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. આનાથી હૃદયની ગંભીર બિમારીઓથી પીડિત લાખો લોકો માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનનો નવો માર્ગ ખુલ્યો છે. યુએસ ડ્રગ રેગ્યુલેટર FDA એ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ સર્જરી માટે મંજૂરી આપી હતી. પિગ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે આ કટોકટીની મંજૂરી એ ૫૭ વર્ષીય પીડિત વ્યકિતનો જીવ બચાવવાનો છેલ્લો ઉપાય હતો.

બેનેટ ટ્રેડિશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકયા ન હોત, તેથી અમેરિકન ડોકટરોએ આ મોટો નિર્ણય લીધો હતો અને એક ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું . યુનિવર્સિટીના નિવેદન અનુસાર પીડિત ડેવિડ બેનેટની હાલત નાજુક હતી. તેથી તેનો જીવ બચાવવા માટે જીનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડેવિડની હાલત હવે સુધરી રહી છે અને નવું અંગ કેવી રીતે કામ કરી રહ્યું છે તે જોવા માટે તેની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

શુક્રવારે આ ઐતિહાસિક સર્જરી પૂર્ણ થઈ હતી. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે એક નિવેદન જારી કરીને આ સર્જરી અંગે મીડિયાને માહિતી આપી હતી. આ સર્જરી પ્રાણીઓના અંગોના માનવમાં પ્રત્યારોપણની દિશામાં એક સીમાચિહ્રનરૂપ સાબિત થશે.

મેરીલેન્ડમાં રહેતા ડેવિડે સર્જરીના આગલા દિવસે કહ્યું હતું કે તેની સામે માત્ર બે જ રસ્તા છે. એક તરફ મૃત્યુ હતું તો બીજી તરફ આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવા જીવનની આશા. અંધારામાં જીવનનો પીછો કરવો એ મારો છેલ્લો વિકલ્પ હતો. બેનેટ છેલ્લા દ્યણા મહિનાઓથી હાર્ટ-લંગ બાયપાસ મશીનની મદદથી પથારીમાં જીવી રહ્યા હતા. તેને આશા છે કે હવે તે ફરીથી ઉભો થશે.

(9:53 am IST)