Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

આફત વચ્ચે રાહતઃ કોરોનાની સ્પીડ ઘટીઃ ૧૦ દિવસમાં જોવાશે ‘કંટ્રોલ’

દેશમાં કોરોનાએ ધીમી ગતિનું વલણ અપનાવ્યુંઃ છેલ્લા ૪ દિવસથી નવા સંક્રમણના વૃદ્ઘિદરમાં ઘટાડાનું વલણઃ આવતા દિવસોમાં ધીમે ધીમે આંકડાઓમાં સ્થિરતા આવશે પરંતુ નવા કેસની સંખ્યા વધશેઃ ૮ થી ૧૦ દિવસ બાદ નવા કેસમાં વાસ્તવિક ઘટાડાનું વલણ નજરે પડી શકે છે

નવી દિલ્હી, તા. ૧૧ઃ દેશમાં કોરોનાની રફતાર થોડી ધીમી પડી છે. છેલ્લા ૪ દિવસથી નવા સંક્રમણના વૃદ્ઘિદરમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યુ છે. રવિવારે અને સોમવારે તે ૧૨.૫ ટકા પર સ્થિત રહ્યુ છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવુ છે કે બીજા દેશોના અનુભવોના આધાર પર એ સંભાવના છે કે આવતા દિવસોમાં ધીમે ધીમે આંકડામાં સ્થિરતા આવશે પરંતુ નવા કેસની સંખ્યા વધશે. ૮ થી ૧૦ દિવસ બાદ નવા સંક્રમણમાં વાસ્તવિક ઘટાડાનું વલણ નજરે પડી શકે તેમ છે.
દેશમાં ૨૮ ડીસેમ્બરના રોજ કોરોનાનું દૈનિક સંક્રમણ ન્યુનત્તમ સ્તર પર હતુ અને તે દિવસે ૬૩૫૮ નવા કેસ નોંધાયા હતા પરંતુ ૨૯ના રોજ વધીને ૯૧૯૫ થયા અને તેમા ૪૫ ટકાની વૃદ્ઘિ થઈ. ૩૦ના રોજ નવા સંક્રમણ ૧૩૧૫૪ નોંધાયા જે ૨૯મીની સરખામણીમાં ૪૩ ટકા વધ્યા. ૩૧ ડીસેમ્બરના રોજ ૨૮, ૧ લી જાન્યુઆરીએ ૩૬, ૨ જાન્યુઆરીએ ૨૧, ૩ જાન્યુઆરીએ ૨૨.૫, ૪ જાન્યુઆરીએ ૧૦, ૫ જાન્યુઆરીએ ૫૫, ૬ જાન્યુઆરીએ ૫૬.૫ ટકા દૈનિક સંક્રમણ વધ્યુ ત્યારે નવા સંક્રમણ ૫૮૦૯૭થી વધીને ૯૦૯૨૮ થઈ ગયા હતા. આ ત્રીજી લહેરમાં અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ઘિ હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર ૭ જાન્યુઆરીના રોજ નવા સંક્રમણમાં ૨૯ ટકાનો વધારો નોંધાયો કારણ કે સંક્રમણ ૯૦૯૨૮થી વધીને ૧૧૭૧૦૦ થઈ ગયા હતા. ૮ જાન્યુઆરીએ તે ૧૪૧૯૮૬ થઈ ગયા અને વૃદ્ઘિ ૨૧ ટકા જ રહી, જ્યારે ૯ જાન્યુઆરીએ નવા કેસ ૧૫૯૬૩૨ તથા ૧૦ જાન્યુઆરીએ ૧૭૯૭૨૩ થઈ ગયા. બન્ને દિવસે વૃદ્ઘિદર ૧૨.૫ ટકાની નજીક રહ્યો હતો.
આ દરમિયાન મુંબઈમાં છેલ્લા બે દિવસ દરમિયાન નવા કેસમાં ઘટાડાનું વલણ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ નતીજા ઉંપર પહોંચવા માટે આપણે ૭ દિવસના સરેરાશ આંકડાનું વિશ્લેષણ કરવુ પડશે.
કોરોનાની ત્રીજી લહેરના લઈને નિષ્ણાંતોએ સંક્રમણમાં ઝડપથી વધારો થવા અને પછી ઝડપથી ઘટાડાની સંભાવના દર્શાવી છે. સાથે એવી પણ આશંકા વ્યકત કરી છે કે ત્રીજી લહેર બીજી લહેરની પીકને પાર કરી શકે છે. પહેલી લહેરની પીક પહેલા જ પાર કરવામાં આવી છે.
વર્ધમાન મહાવીર મેડીકલ કોલેજના કોમ્યુનિટી વિભાગના વડા પ્રો. જુગલ કિશોરે કહ્યુ છે કે કોરોના કેસમાં વધારાની સ્પીડ ઘટી ગઈ છે જે આવતા દિવસો માટે સારા સંકેત છે. જો આ દર સ્થિર રહે તો આવતા કેટલાક દિવસોમાં તેમા ઘટાડો જોવા મળશે અને નવા કેસમાં વાસ્તવિક ઘટાડો આવી જશે.


 

(10:03 am IST)