Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સરકારે બેન્કોની જેમ એલઆઈસીમાં ૨૦ ટકા એફડીઆઈને પરવાનગી આપવા નિર્ણય લીધો

ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રી મંડળ સમક્ષ પ્રસ્તાવ રજૂ થશેઃ વિદેશી નિવેશકો પણ એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરી શકશે

નવી દિલ્હી, તા. ૧૧ઃ. કેન્દ્ર સરકારે એલઆઈસીમાં ૨૦ ટકા એફડીઆઈની પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે. સરકાર જાહેર ક્ષેત્રની બેન્કોની જેમ આવુ કરશે અને આ દિશામાં આગળ વધવા માટે ફેમામાં ફેરફાર કરશે. આ સંશોધન બાદ માર્ચમાં એલઆઈસીમાં વિદેશ વિનીવેશને પ્રોત્સાહન આપવાનું માળખુ તૈયાર થઈ જશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાકીય સેવા વિભાગ અને નિવેશ અને જાહેર સંપત્તિ વિભાગે ઉંદ્યોગ અને આંતરીક વિભાગ સંગઠન સાથે ચર્ચા કર્યા બાદ એફડીઆઈની નીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીએ કહ્યુ છે કે આ સંશોધનમાં બોડી કોર્પોરેટમાં એફડીઆઈની પરવાનગીની જોગવાઈ હશે. હાલની નીતિ અનુસાર ફકત કંપનીઓમાં જ વિદેશી નિવેશની પરવાનગી છે પરંતુ કોઈ નિગમમાં તેની પરવાનગી નથી. અધિકારીએ કહ્યુ છે કે એલઆઈસીમાં નિવેશની પરવાનગી આપવા માટે એફડીઆઈ નીતિમાં ઉંપરોકત પરીભાષા સામેલ કરવામાં આવશે.
બોડી કોર્પોરેટ એવુ એકમ હોય છે જેમા તેને તૈયાર કરનારા વ્યકિતઓ ઉંપરાંત તેનુ અલગથી કાનૂની અસ્તિત્વ હોય છે. ફેમા નિયમો હેઠળ કંપનીઓમાં રોકાણની પરવાનગી છે પરંતુ તેમા બોડી કોર્પોરેટમાં વિદેશી નિવેશની પરવાનગીનો ઉંલ્લેખ નથી આ જ કારણે એફડીઆઈની નીતિમાં ફેરફાર થશે. વિદેશી નિવેશની સીમામાં ફેરફારથી એવા વિદેશી રોકાણકારો માટેનો રસ્તો ખુલશે જેઓ એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે. માનવામાં આવે છે કે એલઆઈસીનો આઈપીઓ દેશનો સૌથી મોટો આઈપીઓ હશે. સરકારને આશા છે કે એલઆઈસીનું મૂલ્યાંકન ૧૦ લાખ કરોડ રૂપિયા સુધીનું રાખવામાં આવી શકે છે. સરકાર માર્ચ ૨૦૨૦માં આઈપીઓ લાવવા ઈચ્છતી હતી.
એક બીજા અધિકારીએ જણાવ્યુ છે કે સંશોધનની મહોર માટે તેને કેન્દ્રીય મંત્રી મંડળ સમક્ષ લાવવામાં આવશે. ૨૦ ટકા હિસ્સેદારીની પરવાનગીથી જાહેર ક્ષેત્રની બેન્કોની જેમ જ એલઆઈસીમાં વિદેશ નિવેશ આવશે. જો કે બેન્કોમાં વિદેશી નિવેશ પ્રાપ્ત કરતા પહેલા સરકાર પાસેથી મંજુરી લેવાની હોય છે. હાલની એફડીઆઈની નીતિ અનુસાર વિમાક્ષેત્રમાં સ્વતઃ માધ્યમથી ૭૪ ટકા વિદેશી નિવેશની પરવાનગી છે, પરંતુ આ નિયમ એલઆઈસી પર લાગુ થતો નથી. સરકારે બજેટમાં એલઆઈસી એકટમાં ફેરફારને પરવાનગી આપી હતી જે હેઠળ સરકાર પાસેથી ઈત્તર શેરધારક એલઆઈસીમાં વધુમાં વધુ ૫ ટકા હિસ્સેદારી રાખી શકે છે.

 

(10:04 am IST)