Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પત્નિથી પીછો છોડાવવા પતિ બતાવતો રહ્યો બહેન

ઈન્દોરની ફેમિલી કોર્ટમાંથી ૭૩ વર્ષીય મહિલાના વર્ષોની પ્રતિક્ષા બાદ ન્યાય મળ્યો છેઃ પત્નીએ ફેમિલી કોર્ટમાં પૂરાવા રજૂ કરીને દગાબાજ પતિની ચાલ નિષ્ફળ કરી હતી

ઇન્દોર, તા.૧૧: ઈન્દોરની ફેમિલી કોર્ટમાંથી ૭૩ વર્ષીય વૃદ્ઘ મહિલાને વર્ષોની રાહ બાદ ન્યાય મળ્યો છે. કપટી પતિએ મહિલાને પત્ની તરીકે સ્વીકારવાની ના પાડી દીધી હતી. ફેમિલી કોર્ટની સામે પતિએ પીડિતાને બહેન કહીને છુટકારો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નીએ ફેમિલી કોર્ટમાં પુરાવા રજૂ કરીને છેતરપિંડી કરનાર પતિની યુકિતને નિષ્ફળ બનાવી હતી. ફેમિલી કોર્ટ પતિ પાસેથી પત્નીના અધિકારો અપાવ્યા હતા.

એડવોકેટ પ્રીતિ મેહાનના જણાવ્યા અનુસાર, ૭૩ વર્ષીય મહિલાએ ફેમિલી કોર્ટમાં તેના પતિ સામે ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. મામલો કોર્ટમાં આવ્યા બાદ પતિએ પત્નીને સ્વીકારવાની ના પાડી દીધી અને તેની બહેન હોવાનું જણાવ્યું હતું. પીડિત મહિલાના વકીલે કોર્ટમાં પત્ની હોવાના દસ્તાવેજો રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે વૃદ્ઘ મહિલાને ન્યાય આપતાં કહ્યું કે, પતિ તેને પોતાની પત્ની માને અને કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો ત્યારથી લઈને આજસુધીનો પતિને ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો.

દર મહિને પીડિતને ભરણપોષણ માટે નાણાં ઉપલબ્ધ કરાવવા પણ જણાવ્યું હતું. પીડિત મહિલા દ્યણા વર્ષોથી પત્ની હોવાના પુરાવા માટે કોર્ટમાં ભટકતી હતી. ફેમિલી કોર્ટના ઐતિહાસિક નિર્ણયથી ૭૩ વર્ષીય વૃદ્ઘ મહિલા ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે મોડેથી ન્યાયની જીત થઈ છે.

(10:45 am IST)