Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભાજપના હાથમાંથી સરકી રહયું છે ગોવા

હારની બીકથી ખ્રિસ્તી નેતા ટપોટપ છોડી રહયા છે સાથ

ગોવા, તા., ૧૧:  ૧૪ મી ફેબ્રુઆરીએ યોજાઇ રહેલી ગોવા વિધાનસભાની ચુંટણી પહેલા રાજયના ખ્રિસ્તી (ઇસાઇ) નેતા બીજેપી પાર્ટીમાંથી વિદાઇ લઇ રહયા છે. ઇસાઇઓનો આ અલગાવ આગામી ચુંટણીમાં ભાજપ માટે માથાનો દુઃખાવો બની શકે છે. જો કે, પાર્ટી હજુ પણ પોતાને મજબુત દેખાડી રહી છે.

સોમવારે કલનગુટથી ચુંટાયેલા વિઘાયક અને મંત્રી માઇકલ લોબોએ વિધાયક પદેથી અને ભાજપના પ્રાથમીક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. લોબો કેટલાક સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહયા હતા. ઇન્ડીયા ટુડેની ખબર મુજબ લોબો પોતાની પત્ની દલીલાહને સીયોલીન સીટ ઉપરથી ટીકીટ દેવડાવવા માંગતા હતા. એવી ખબર છે કે માઇકલ કોંગ્રેસમાં જોડાઇ રહયા છે પરંતુ હાલમાં કોંગ્રેસે પણ તેમની પત્નીની ઉમેદવારીને લઇને કોઇ આશ્વાસન આપ્યું નથી. આ વચ્ચે તૃણમુલ કોંગ્રેસ પણ ગોવાના મોટા નેતાઓને પોતાના પક્ષમાં લાવવા માટે સક્રિય છે. સમાચારોનું માનીએ તો ટીએમસીના ચુંટણી રણનીતીકાર પ્રશાંત કિશોરે પણ માઇકલનો સંપર્ક કર્યો છે.

કલનગુટથી વિધાયક ચંુટાયેલા માઇકલને નોર્થ ગોવાના મજબુત નેતા માનવામાં આવે છે. લગભગ પ થી ૬ વિધાનસભા ક્ષેત્રોમાં તેમનો પ્રભાવ છે. પાર્ટી છોડવાના નિર્ણયનો બચાવ કરતા માઇકલે કહયું કે, મતદાતાઓએ મને કહયું કે ભાજપ હવે સામાન્ય લોકોની પાર્ટી નથી રહી. સામાન્ય કાર્યકર્તાઓનું પાર્ટીમાં કોઇ સ્થાન નથી રહયું. જો કોંગ્રેસ લોબોને પોતાના ટેન્ટમાં લઇ આવશે તો નોર્થ ગોવામાં તેમની પાસે એક મોટો ચહેરો હશે. જયાં બીજેપીની મજબુત પક્કડ માનવામાં આવી રહી છે. લોબો પહેલા વિધાયક નથી કે જેમણે બીજેપીનો સાથ છોડયો હોય. ગયા મહિને કાર્ટોલીમના વિધાયક અલીના સાલદાનહાએ પણ બીજેપી છોડી હતી. તેણી આમ આદમી પાર્ટીમાં જોડાઇ છે. વાસ્કોથી અન્ય એક વિધાયક કાર્લોસ અલમેડાએ પણ બીજેપી છોડી કોંગ્રેસનો હાથ પકડયો છે. અટકળો એવી પણ છે કે બેલીમ વિધાયક અને મંત્રી ફિલીપ નેરી રોડ્રીગ્સ અને નવેમના વિધાયક બાબાશાન પણ ટુંકમાં બીજેપી છોડવાના છે.

આ વિધાયકો બીજેપી છોડી રહયા છે તેની પાછળ મોટુ કારણ છે કે હવે તેઓ બીજેપીના સીમ્બોલ ઉપર ચુંટણી લડવાથી ખચકાઇ રહયા છે. ખ્રિસ્તીઓની વધુ વસ્તીવાળા ચુંટણી ક્ષેત્રોમાંથી તેઓ આવે છે. જયાં બીજેપીના મતદારો બહુ ઓછા છે. હારના ડરથી આ વિધાયકો કોંગ્રેસ, આપ અને ટીએમસી જેવી વિપક્ષી પાર્ટીઓમાં જોડાઇ રહયા છે. જો કે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પાર્ટીમાં મચેલી આ ભાગદોડથી બેફીકર છે. તેમનું કહેવું છ ેકે ભારતીય જનતા પાર્ટી એક મોટો પરિવાર છે જે પુરેપુરી દ્રઢતાથી જનતાની સેવા કરે છે. આ વચ્ચે મેયમ સીટથી વધુ એક બીજેપી વિધાયક પ્રવિણ જાંલઇએ પણ રાજીનામુ આપ્યું છે. અટકળો એવી છે કે તે મહારાષ્ટ્રવાદી ગૌમાંતક પાર્ટીમાં જોડાઇ શકે છે.

(3:42 pm IST)