Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોનાના વધતા કેસ વચ્ચે પીએમ મોદીની હાઇલેવલ મીટીંગ

૧૩ જાન્યુઆરીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક

નવી દિલ્હી તા. ૧૧ : દેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ જાન્યુઆરીએઘણા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. સંક્રમિત વાયરસના ફેલાવાને રોકવા માટે દેશના વિવિધ ભાગોમાં નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રવિવારે એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરતા, પીએમ મોદીએ જિલ્લા સ્તરે પર્યાપ્ત આરોગ્ય માળખાની ખાતરી કરવા અને મિશન મોડમાં કિશોરો માટે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા હાકલ કરી હતી. નોંધપાત્ર રીતે, ૨૦૨૦ માં આ કોરોના મહામારી જયારથી ચાલુ ત્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનો સાથે ઘણી બેઠકો કરી છે.

દેશના પાંચ રાજયોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩,૪૭૦ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળમાં ૧૯,૨૮૬, દિલ્હીમાં ૧૯,૧૬૬, તમિલનાડુમાં ૧૩,૯૯૦ અને કર્ણાટકમાં ૧૧,૬૯૮ કેસ મળી આવ્યા છે. જો કે, દેશભરના કુલ દર્દીઓમાંથી ૫૮.૦૮ ટકા દર્દીઓ આ ૫ રાજયોના જ છે. જયારે એકલા મહારાષ્ટ્રમાં ૧૯.૯૨ ટકા કેસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે રાજયના મુખ્યમંત્રીઓની એકાએક બેઠક બોલાવી છે તેના પરથી લાગી રહ્યું છે કે દેશમાં પ્રતિબંધો વધુ કડક કરવામાં આવી શકે છે. કદાચ આ બેઠકમાં લોકડાઉન પર પણ વિચાર કરવામાં આવી શકે છે. પરંતુ અંતિમ નિર્ણય પીએમ મોદી જ લઈ શકશે નવી દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્યિમ બંગાળ અને કર્ણાટકમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૧.૬૮ લાખ (૧,૬૮,૦૬૩) નવા કેસ નોંધાયા છે અને ૨૭૭ લોકોના મોત થયા છે. સોમવારે ૧.૭૯ લાખ કેસ નોંધાયા હતા અને ૧૪૬ લોકોના મોત થયા હતા. સૌથી મોટી ચિંતા એ છે કે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા આઠ લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, રસીકરણની સંખ્યા ૧૫૨ કરોડને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસનો દૈનિક સકારાત્મક દર હવે ૧૦.૬૪% છે. ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને ૪,૪૬૧ થઈ ગઈ છે જેમાંથી ૧,૭૧૧ દર્દીઓને રજા આપવામાં આવી છે.

(3:45 pm IST)