Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઓમિક્રોનની રસી માર્ચમાં થઇ જશે તૈયારઃ ફાઇઝરને આશા છે કે આ રસી વહેલામાં વહેલી તૈયાર થશે

કોવિડ કેસોમાં ઉછાળા વચ્‍ચે આ રસી તૈયાર થવાના સારા સમાચાર છે જે ઓમિક્રોનના સંક્રમણને રોકવામાં ઉપયોગી સાબિત થશે

ન્યૂયોર્કઃ કોવિડ-19નું નવું સ્વરૂપ ઓમિક્રોન ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. જોખમને ધ્યાનમાં રાખીને ઘણા દેશોમાં રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ઓમિક્રોનના ચેપને રોકવાના હેતુથી તૈયાર કરવામાં આવી રહેલી રસી માટે પણ કામ ચાલી રહ્યું છે. દિગ્ગજ ફાર્મા કંપની ફાઈઝરને આશા છે કે ઓમિક્રોન વેરિઅન્ટને ટાર્ગેટ કરતી કોવિડ-19 રસી માર્ચમાં તૈયાર થઈ જશે. કંપનીના વડાએ સોમવારે આ માહિતી આપી હતી.

ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આલ્બર્ટ બોઅરલાએ સીએનબીસીને જણાવ્યું હતું કે કોવિડ-19 સંક્રમણના કેસ સતત વધી રહ્યા હોવાથી સરકારોની ભારે માંગને કારણે ફાઈઝર પહેલેથી જ રસીના ડોઝનું ઉત્પાદન કરી રહ્યું છે. આમાં એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેઓ રસી લીધી હોવા છતાં ઓમિક્રોનનો ભોગ બન્યા છે.

બોરલાએ કહ્યું-“આ રસી માર્ચમાં તૈયાર થઈ જશે. મને ખબર નથી કે અમને તેની જરૂર પડશે કે નહીં. મને ખબર નથી કે તેનો ઉપયોગ કેવી રીતે થશે.”

ફાઈઝરના સીઈઓએ જણાવ્યું હતું કે બે રસીના ડોઝ અને એક બૂસ્ટર ડોઝની વર્તમાન સિસ્ટમ ઓમિક્રોનથી ગંભીર આરોગ્ય અસરો સામે “યોગ્ય” રક્ષણ પૂરું પાડે છે. તે ઉપરાંત ઓમિક્રોનના વધારે સંક્રામણને રોકવામાં પણ આ રસી ઉપયોગી સાબિત થશે.

અન્ય એક ઇન્ટરવ્યુમાં મોડર્નાના સીઇઓ સ્ટીફન બન્સેલએ જણાવ્યું હતું કે કંપની એક બૂસ્ટર વિકસાવી રહી છે જે ઓમિક્રોન અને અન્ય ઉભરતા સ્ટ્રેનનો સામનો કરી શકે છે. તેમણે કહ્યું કે તેઓ સંભવિત બૂસ્ટર માટે વિશ્વભરના આરોગ્ય ક્ષેત્રના અનુભવીઓ સાથે વાત કરી રહ્યા છે.

(5:42 pm IST)