Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અમેરિકાના ડોક્‍ટરે કરી કમાલઃ વિશ્વમાં સૌપ્રથમ વખત માણસમાં ધબક્‍યુ ભુંડનું હૃદય

ભુંડનું આનુવાંસિક રીતે સંશોધીત હૃદય જે વ્‍યક્‍તિમાં રોપવામાં આવ્‍યુ તેની સર્જરીના ત્રણ દિવસ બાદ હાલત હવે સારી

વોશિંગ્ટનઃ અમેરિકાના મેરીલેન્ડના એક 57 વર્ષીય વ્યક્તિનું (જિનેટિક) આનુવંશિક ફેરફારો સાથે શસ્ત્રક્રિયા દ્વારા ડુક્કરનું હૃદય રોપવામાં આવ્યું છે. આ પ્રકારની સર્જરી વિશ્વમાં પ્રથમ વખત કરવામાં આવી છે. ડુક્કરનું આનુવંશિક રીતે સંશોધિત હૃદય વ્યક્તિ પર રોપવામાં આવ્યું છે. સફળ સર્જરીના ત્રણ દિવસ બાદ દર્દીની હાલત હવે ઠીક છે. એક રીલીઝ મુજબ ડેવિડ બેનેટ હ્રદય રોગથી પીડિત હતા. અને હાલના વિકલ્પોમાં ડુક્કરના હૃદયનો ‘માત્ર વિકલ્પ’ હતો. સીએનએનએ તેના અહેવાલમાં લખ્યું છે કે બેનેટના મેડિકલ રેકોર્ડ્સ જોયા પછી જાણવા મળ્યું હતું કે પરંપરાગત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અથવા કૃત્રિમ હૃદય પંપનો ઉપયોગ કરી શકાય તેમ નહતું.

મેરીલેન્ડ મેડિસિન યૂનિવર્સિટીની પ્રેસનોટમાં સર્જરીથી પહેલા બેનેટના હવાલાથી લખવામાં આવ્યું છે કે, “પરિસ્થિતિ એવી હતી કે કાં તો હું મરી જાઉ અથવા આ ટ્રાન્સપ્લાંટ કરાવી લઉ” હું જીવવા માંગતો હતો. મને ખબર છે કે આ અંધારામાં એક તીર જેવું છે, પરંતુ આ મારી અંતિમ પસંદ છે. યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 31 ડિસેમ્બરે સર્જરીમાં ઈમરજન્સી મંજૂરી આપી હતી.

તે ડુક્કરમાંથી આવા ત્રણ જનીન (genes) દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે માનવ રોગપ્રતિકારક શક્તિ ડુક્કરના અંગોને સ્વીકારતી નથી. ડુક્કરના હૃદયના પેશીઓના વિકાસને રોકવા માટે એક જનીન કાઢવામાં આવ્યું હતું. આ સિવાય તેમાં છ જીન નાખવામાં આવ્યા હતા.

ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે કેમ તે જોવા માટે ડોકટરો હવે બેનેટનું ઘણા દિવસોથી અઠવાડિયા સુધી નિરીક્ષણ કરશે. તેની રોગપ્રતિકારક શક્તિ અને અન્ય જટિલતાઓને લગતી સમસ્યાઓ પર નજર રાખવામાં આવશે.

સર્જન ડો. બાર્ટલી પી. ગ્રિફિથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પ્રત્યારોપણ માટે માનવ હૃદય દાતા ઉપલબ્ધ નહોતા. અમે સાવધાની સાથે આગળ વધી રહ્યા છીએ, પરંતુ અમે એ પણ આશા રાખીએ છીએ કે વિશ્વની આ પ્રથમ સર્જરી ભવિષ્યમાં દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ અને નવો વિકલ્પ પ્રદાન કરશે.

સીએનએનના અહેવાલ મુજબ, ન્યુયોર્કમાં બ્રેઈન ડેડ મહિલામાં જીનેટિકલી મોડિફાઈડ પિગ કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

(5:46 pm IST)