Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

યુપી ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો : કેબિનેટ મંત્રી સ્વામીપ્રસાદ મોર્યના રાજીનામાં બાદ વધુ ત્રણ ધારાસભ્યોએ પણ પાર્ટી છોડી : મોટો ખળભળાટ

યોગી કેબિનેટમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ, બિલ્હૌરના ધારાસભ્ય ભગવતી સાગર, બાંદાના ધારાસભ્ય બ્રિજેશ પ્રજાપતિ અને શાહજહાંપુરના ભાજપના ધારાસભ્ય રોશન લાલે રાજીનામું આપ્યું : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ પાર્ટીથી નારાજ ધારાસભ્યોને મનાવવાની જવાબદારી કેશવ પ્રસાદ મૌર્યને સોંપી

યુપી વિધાનસભા ચૂંટણી 2022 પહેલા યોગી આદિત્યનાથ કેબિનેટના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની સાથે બીજા 3 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામા આપતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.અહેવાલ મુજબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે સ્વામી પ્રસાદ મૌર્ય અને અન્ય ધારાસભ્યોને મનાવવાની જવાબદારી ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને આપી છે. સ્વામી પ્રસાદ મૌર્યએ ઉત્તર પ્રદેશના યોગી કેબિનેટમાંથી દલિતો, પછાત, ખેડૂતો, બેરોજગાર યુવાનો અને નાના-નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ પ્રત્યેના ઘોર ઉપેક્ષિત વલણને કારણે રાજીનામું આપ્યું છે.

રાજીનામું આપતી વખતે તેમણે પાર્ટી પર ઘણા મોટા આરોપ લગાવ્યા. રાજ્યપાલને લખેલા રાજીનામાના પત્રમાં તેમણે કહ્યું કે રાજ્યમાં બેરોજગારી વધી રહી છે. સરકાર દલિતો અને પછાત વર્ગની ઉપેક્ષા કરી રહી છે. તેમના આ પગલાથી ભાજપમાં હલચલ વધી ગઈ છે અને પાર્ટીના ઘણા મોટા નેતાઓએ ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે પાર્ટીથી નારાજ ધારાસભ્યોને મનાવવાની જવાબદારી કેશવ પ્રસાદ મૌર્યને આપી છે. આ સાથે જ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સતત નારાજ ધારાસભ્યોના સંપર્કમાં છે

(7:14 pm IST)