Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કુદરતનો કરિશ્મા !! : 9 વર્ષના બાળકને પતંગ પકડવાં જતાં હાઇવોલ્ટેજ કરંટ લાગ્યો :20 મિનિટ ધબકારા બંધ થયા: ડોક્ટરોએ નવજીવન આપ્યું

બાળકને 11 હજાર વોલ્ટનો હાઈવોલ્ટેજ વાયર હાથમાં અડ્યો : ડોકટર્સ પમપિંગ કરી બાળકને અમદાવાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું :11 દિવસની સારવાર બાદ બાળકને નવું જીવન આપવામાં તબીબોને સફળતા મળી

નડિયાદનું એક નવ વર્ષનું બાળક પતંગ પકડવા જતા 11 હજાર વોલ્ટના હાઇવોલ્ટેજ વાયરને હાથ અડકી ગયો હતો. ઘટના બાદ બાળક મોઢામાં અને નાકમાંથી લોહી આવતું હતું. 20 મિનિટ માટે બાળકના ધબકારા બંધ થઈ ગયા હતા અને બાળક કોમમાં જતું રહયુ હતું.

ડોકટર્સ પમપિંગ કરી બાળકને અમદાવાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.11 દિવસની સારવાર બાદ બાળકને નવું જીવન આપવામાં તબીબોને સફળતા મળી છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી છે ત્યારે પતંગ ચગાવવાની મજા ઘણીવાર સજા રૂપ સાબિત થતી હોય છે. કેટલાક એવા અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં દોરીથી કોઈના ગળા કપાતા હોય છે તો ધાબેથી પડી જવાની ઘટના સામે આવતી હોય છે. તેવી જ એક ઘટના હાલમાં નડિયાદમાં સામે આવી છે

 

ગત 26 ડિસેમ્બરના રોજ એક નવ વર્ષનો બાળક પતંગ પકડવા જતા 11 હજાર વોલ્ટનાં હાઇવોલ્ટેજ વાયરને અડકી ગયો. પરંતુ મેમનગરની ડિવાઇન હોસ્પિટલના ડો. હાર્દિક પટેલ અને ડો. દેવાંગ સોલંકીની ટીમ દ્વારા બાળકને હેમખેમ બચાવી લેવાયો છે.  બાળકના મામા જણાવે છે કે બાળક મકાનનાં ધાબા ઉપર પતંગ ચગાવતો હતો પતંગ કપાવાથી તેને પકડવા માટે દોડ્યો અને મકાનની બાજુના ભાગમાંથી 11,000 વોલ્ટનો હાઇવોલ્ટેજ વાયર પસાર થઈ રહ્યો હતો તેને તે અડી ગયો હતો.

બાળક અચાનક આ હાઇવોલ્ટેજ વાયરનો કરંટ લાગતા ચોંટી ગયો અને છથી સાત ફૂટ ઊંચો હવામાં ફંગોળાયો હતો. તેમજ બાળકનાં ધબકારા બંધ થઈ ગયા હતાં અને શ્વાસ રોકાઈ ગયો હતો, આખુ શરીર ભુરુ પડી ગયું હતું, નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અને તેને ખેંચ આવવા લાગી અને છેવટે બાળક કોમામાં સરી પડ્યો હતો.

ડો. હાર્દિક સોલંકીએ જણાવ્યું કે અમારી ટીમ નડિયાદ બાળકને લેવા પહોંચી ત્યારે રસ્તામાં જ બાળકને પમપિંગ કરીને લાવવામાં આવી રહ્યા હતા. 20 મિનિટ માટે તેનાં ધબકારા બંધ થઈ ગયા હતા. બાળકનું હૃદય માત્ર 5 થી 10 ટકા જ પંપીંગ કરતુ હતુ. ફેફસા અત્યંત નાજુક થઈ ગયા હતા અને ફેફસામાંથી સતત લોહી આવી રહ્યું હતું. મગજ ઉપર ખુબ જ સોજો આવી ગયો હતો. બાળકને સતત ખેંચો આવી રહી હતી. હાઇવોલ્ટેજ કરંટને કારણે બાળકના સ્નાયુઓ તૂટવા લાગ્યા હતા. કિડની અને લીવર જેવા મહત્વના અંગોને પણ ઘણું નુકસાન થયું હતું.

બાળકને વેન્ટિલેટરનો સપોર્ટ પુરો પાડવામાં આવ્યો. ફેફસામાંથી આવતું લોહી બંધ કરવાની દવાઓ ચાલુ કરવામાં આવી. હૃદયનું પમ્પિંગ સુધારવા માટે ત્રણ અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનો સતત ચાલુ કરવામાં આવ્યા. લગભગ સાતેક દિવસની સઘન સારવાર બાદ બાળકના મહત્વના અંગો ધીરે ધીરે મજબૂત થયા અને બાળક ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવ્યું હતું.

ત્યારબાદ બાળકને વેન્ટિલેટર ઉપરથી નિકાળવામાં સફળતા મળી લગભગ 12 દિવસની સતત મહેનત બાદ બાળકને કોઈપણ ખોડખાંપણ વિના હસતા મુખે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. મહત્વનું છે કે માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો છે તેવામાં આ ઘટના પછી લોકોને અપીલ છે કે તમે તમારા બાળક સાથે પતંગ ચગાવો. બાળકનું સતત ધ્યાન રાખવું જોઈએ.

 

(9:42 pm IST)