Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

દેશમાં પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ચૂંટણી લડશે NCP : ઉત્તર પ્રદેશમાં સપા બનાવશે સરકાર:શરદ પવાર

યુપીમાં સપા અને ગોવામાં કોંગ્રેસ, તૃણમૂલ સાથે વાતચીત ચાલુ :બે દિવસમાં ઉમેદવારોના નામ જાહેર કરશે

મુંબઈ : દેશના પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમની પાર્ટીનું વલણ નક્કી કરવા માટે અને ચૂંટણીમાં અલગ – અલગ રાજ્યોની સંભાવનાઓ પર વાત કરવા માટે એનસીપી ચીફ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં દાવા સાથે કહ્યું કે આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં મોટો ફેરફાર થવાનો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે.

શરદ પવારે કહ્યું કે યુપીમાં ગઠબંધનને લઈને સમાજવાદી પાર્ટી અને અન્ય નાની પાર્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે. શરદ પવારે કહ્યું કે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશની મુલાકાતે જવાના છે. શરદ પવારે સ્પષ્ટ કર્યું કે પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં NCP ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ગોવામાં મહા વિકાસ અઘાડીના પ્રયોગની નકલ કરવાના પ્રયાસો ચાલુ છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે. એનસીપી અને શિવસેનામાં પ્રફુલ પટેલ અને સંજય રાઉત વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે NCP મેઘાલયમાં 5 સીટો પર ચૂંટણી લડશે

શરદ પવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકો પરિવર્તન ઈચ્છે છે. યુપીમાં સ્વામી પ્રસાદ મૌર્યની સપામાં એન્ટ્રી શરૂ થઈ રહી છે. આ હવે વધારે આગળ જશે. પૂર્વ ધારાસભ્ય સિરાજ મહેંદીએ NCPમાં પ્રવેશ કર્યો છે. તેમણે કહ્યું કે બે દિવસમાં તેઓ ગઠબંધન અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકશે. આ બે દિવસોમાં તેમણે યુપી અને ગોવામાં પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરવાની વાત કરી.

શરદ પવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને અન્ય નાના પક્ષો સાથે વાતચીત કર્યા બાદ તેમની પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરશે. ગોવા અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સાથે ચર્ચા ચાલી રહી છે.  ત્યાં પણ બધા મળીને ભાજપને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરશે. શિવસેના અને એનસીપી વચ્ચે સમજૂતી થઈ ચૂકી છે. શિવસેના વતી સંજય રાઉત અને એનસીપી વતી પ્રફુલ્લ પટેલ વચ્ચે વાતચીત ચાલી રહી છે. ગોવામાં ગઠબંધન અંગેનો નિર્ણય બે દિવસમાં લેવામાં આવશે. ભાજપનો વિકલ્પ આપવાના પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત NCP મણિપુરમાં 5 સીટો પર ચૂંટણી લડશે

(9:44 pm IST)