Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

હવે બુલેટ ખરીદવા વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે : ભાવમાં થયો વધારો

વૈશ્વિક સપ્લાય ચેઈન અને રો-મટિરિયલની વધતી કિંમતોને કારણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી

નવી દિલ્હી :હવે બુલેટ બાઇકના શોખીનો માટે માઠા સમાચાર આવ્યા છે. હવે બુલેટ ખરીદવાની ઇચ્છતા ધરાવતા લોકોએ વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. બુલેટ બાઈક બનાવતી કંપની રોયલ એન્ફિલ્ડે કેટલાંક મોડલની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે વૈશ્વિક સપ્લાય ચેઈન અને રો-મટિરિયલની વધતી કિંમતોને કારણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી છે જેના લીધે બુલેટની કિંમત વધારવાની ફરજ પડી છે.

કંપનીએ ક્લાસિક 350, મેટેઓર 350 અને હિમાલયન મોટરસાઈકલ્સની કિંમતોમાં વધારો કર્યો છે. જોકે કંપનીના અન્ય મોડલ ઈન્ટરસેપ્ટર, કોન્ટિનેંટલ જીટી અને બુલેટની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિમાલયન રેન્જની તમામ બાઇકની કિંમતમાં 4000 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે.

કંપનીનું સિલ્વર અને ગ્રે હિમાલયન મોડલ હવે રૂ. 2.14 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થશે જ્યારે બ્લેક અને ગ્રીન હિમાલયનની કિંમત રૂ. 2.22 લાખ હશે. ક્લાસિક 350ની કિંમત પણ અંદાજે 3000 રૂપિયા વધારવામાં આવી છે. એન્ટ્રી લેવલ રેડડિચ ક્લાસિક 350ની કિંમત 1.87 લાખ રૂપિયા છે જ્યારે ક્રોમ ક્લાસિક 350ની કિંમત 2.18 લાખ રૂપિયા છે.

તેવી જ રીતે રોયલ એનફિલ્ડ મેટેઓર 350 ફાયરબોલ રેન્જના ભાવમાં 2511 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ બાઈકની કિંમત હવે 2.01 લાખ રૂપિયાથી શરૂ થઈને 2.03 લાખ રૂપિયા થશે.  મેટેઓર 350 લાઇનઅપમાં સ્ટેલર રેન્જની બાઇકની કિંમતમાં રૂ. 2601નો વધારો કરવામાં આવ્યો છે. હવે આ રેન્જમાં મેટેઓર 350ની કિંમત 2.07 લાખ રૂપિયાથી શરૂ થઈને 2.09 લાખ રૂપિયા હશે.

(11:41 pm IST)