Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતની નાદાર કંપની સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ખરીદવા ઉત્સુક

રિલાયન્સે એસેટ્સ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇસ (એસીઆરઇ)ની સાથે ભાગીદારીમાં રૂ. 2863 કરોડની ઓફર કરી

મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના પરંપરાગત બિઝનેસમાંથી ડાઇવર્સિફિકેશન કરવા જઇ રહી છે જેની માટે તે અન્ય ઉદ્યોગની કંપનીઓ ખરીદવા પ્રયત્નશીલ થઇ છે. તાજેતરમાં તેણે ન્યુયોર્કની એક કંપનીમાં મોટો હિસ્સો ખરીદ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતની નાદાર કંપની સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ખરીદવા માટે અધીરી થઇ છે. સિન્ટેક્સને હસ્તગત કરવા માટે રિલાયન્સે એસેટ્સ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇસ (એસીઆરઇ)ની સાથે ભાગીદારીમાં રૂ. 2863 કરોડની ઓફર કરી છે. નોંધનિય છે કે, સિન્ટેક્સનો બિઝનેસ ખરીદવાની હરિફાઇમાં રિલાયન્સની સાથે અન્ય એક કંપની વેલસ્પન પણ છે જો કે તેણ કેટલા રકમની ઓફર કરી છે તેની માહિતી ઉપલબ્ધ નથી.

સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના નાદાકી કેસમાં રિઝોલ્યુશન પ્રોફેશનલે 27 નાણાંકીય લેણદારોએ કરેલા રૂ. 7534.6 કરોડના દાવાની મંજૂરી આપી હતી. બજાર અહેવાલો મુજબ સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝની માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ-એસીઆરઇ અને વેલસ્પન ગ્રૂપ યુનિટ ઇઝીગો ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડમાંથી લેણદારોને સૌથી ઉંચી બીડ મળી છે અને બંનેની બીડમાં નજીવો તફાવત છે અને તે શરતી છે.

રિલાયન્સની ઓફરમાં નાણાંકીય લેણદારોને રૂ. 2280 કરોડની ચૂકવણી, કાર્યકારી મૂડીની માટે રૂ. 500 કરોડનું મૂડી રોકાણ તેમજ કર્મચારી અને વેપાર લેણદારોને રૂ. 83 કરોડની ચૂકવણી સામેલ છે. હાલની ઇક્વિટીને સંપૂર્ણપણે રાઇટ ઓફ કરી દેવાઇ છે. અધિગ્રહણ બાદ રિલાયન્સનો હિસ્સો 79 ટકા, એસીઆરઇનો 11 ટકા અને 10 ટકા હિસ્સો લેણદારોની પાસે હશે.

(12:36 am IST)