Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભારતમાં વોન્ટેડ આર્મ ડીલર સંજય ભંડારીનો ફ્રેન્ચ કંપની પર રકમ નહીં ચૂકવવાનો આરોપ

ફ્રેન્ચ કંપની પર દસ વર્ષથી તેમની કટ કે કમિશન પેટે નીકળતી રકમ ન ચૂકવવાનો આરોપ મૂક્યો

લંડન: ભારતમાં વોન્ટેડ આર્મ ડીલર તથા મની લોન્ડરિંગ અને કરચોરીના આરોપી સંજય ભંડારી ફ્રાન્સમાં અલગ જ કાયદાકીય લડત લડી રહ્યા છે. તેમણે ફ્રેન્ચ કંપની પર દસ વર્ષથી તેમની કટ કે કમિશન પેટે નીકળતી રકમ ન ચૂકવવાનો આરોપ મૂક્યો છે, એમ યુકેના મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું.

 

આ સંજય ભંડારી કોંગ્રેસની પ્રિયંકા ગાંધી વાડરાના પતિ રોબર્ટ વાડરાનો મિત્ર હોવાનું મનાય છે.ભાજપે આરોપ લગાવ્યો છે કે 2011માં ફાઇટર અર્રક્રાફ્ટ અપગ્રેડ કરવા અંગે કરોડોની લાંચ લેવાઈ હતી. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કેટલાય મીડિયા રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે રોબર્ટ વાડરાના ખાસ મિત્ર સંજય ભંડારીએ લંડનની કોર્ટમાં કેસ ફાઇલ કર્યો છે. આ કેસમાં તેમણે પોતે સ્વીકાર્યુ છે કે ૨૦૧૧માં તેમનો અને લડાકુ વિમાન અપગ્રેડ કરવાનું કામ કરતી કંપની થેલ્સ સાથે કરાર થયો હતો. તેમા તેમને ૧૭૦ કરોડની રકમ મળવાની હતી, તેમાથી 75 કરોડ મળી ગયા છે, પણ બાકીના ૯૨થી ૯૫ કરોડની રકમ મળી નથી.

સંજય ભંડારીએ થેલ્સ કંપની પર બાકીના 92 કરોડ વસૂલવા કેસ ફાઇલ કર્યો છે. તેમા ભારતમાં મિરાજ ફાઇટર પ્લેન અપગ્રેડ કરવાની વાત કહેવાઈ હતી. આ સોદો યુપીએ શાસન દરમિયાન થયો હતો, તેથી ભાજપ ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ઘેરવા પ્રયત્ન કરી રહ્યું છે.

જો કે થેલ્સ કંપનીએ તો કોઈપણ ભારતીય ઉદ્યોગપતિ સાથે આ પ્રકારની સમજૂતી થઈ હોવાના કે કરાર થયા હોવાની વાતને નકારી કાઢી છે. ભંડારી હાલમાં બ્રિટનમાં જામીન પર જેલની બહાર છે, તેની પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. તેણે તેના કોંગ્રેસ પક્ષ સાથેના કથિત જોડાણ બદલ ભાજપ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આધારે રાજકીય આશ્રયની પણ માંગ કરી છે.

(12:44 am IST)