Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ગાત્રો ગાળતી ઠંડી :તાપમાન માઇનસમાં: ઉત્તર ભારતમાં ભુક્કા બોલાવ્યા

હરિયાણા અને પંજાબમાં લઘુત્તમ તાપમાન 4.7 ડિગ્રી: દિલ્હીમાં બરફીલા પવનની સાથે વરસાદની વચ્ચે લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી : બિહાર, ઝારખંડ પશ્ચિમ બંગાળમાં 11થી 13 જાન્યુઆરી દરમિયાન યલો એલર્ટ

નવી દિલ્હીઃ કાશ્મીરના મોટાભાગના હિસ્સામાં ગાત્રો ગાળતી ઠંડી પડે છે અને ત્યાં તાપમાન માઇનસમાં છે. ગુલમર્ગ અને પહલગામમાં પારો વધુ નીચે ઉતર્યો છે. તેના પછી હરિયાણા અને પંજાબમાં લઘુત્તમ તાપમાન 4.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. દિલ્હીમાં બરફીલા પવનની સાથે વરસાદની વચ્ચે લઘુત્તમ તાપમાન 6.5 અને મહત્તમ 18.1 ડિગ્રી નોંધાયું હતું. બિહાર, ઝારખંડ પશ્ચિમ બંગાળમાં મૌસમ વિભાગે 11થી 13 જાન્યુઆરી દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યુ છે.

કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લામાં ગુલમર્ગ ખાતેના પ્રખ્યાત સ્કી રિઝોર્ટમાં તાપમાન માઇનસ 10.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સાઉથ કાશ્મીરના પહલગામમાં માઇનસ 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં ગઇકાલે તાપાન 0.2 ડિગ્રી હતું. કાશ્મીર ખીણના ગેટવે કાઝીગુંડ ખાતે તાપમાન માઇનસ 0.6 હતું.

સાઉથ કાશ્મીરના કોકનબર્ગ ટાઉનમાં તાપમાન માઇનસ 1.7 ડિગ્રી હતું. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં માઇનસ 3 ડિગ્રી તાપમાન હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસ સુધી હવામાન સૂકુ રહી શકે છે.

સોમવારે રાત્રે રાજસ્થાનમાં સીઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ હતી. ચિતોડગઢ અને કરૌલીમાં ત્રણ ડિગ્રી તાપમાન હતું. સિકરમાં 3.5, ભીલવારામાં 4.4, નાગૌરમાં 4.8, બિકાનેરમાં પાંચ, અંટા અને ફતેહપુરમાં 5.1, અલવર અને ઇરનપુરા રોડ પર 5.8, વનસ્થલી અને સવાઈ માધોપુરમાં છ, શ્રીગંગાનગરમાં 6.1, દાબોકમાં 6.2, ચુરુ, સંગારિયા અને અજમેરમાં 6.5 ડિગ્રી તાપમાન હતું. જયપુરમાં 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના સ્થળોએ તાપમાન 10 ડિગ્રીથી નીચે હતું.

કોલ્ડ વેવના લીધે હરિયાણા અને પંજાબમાં તાપમાન ઘણુ નીચું હતું. હરિયાણાના હિસારમાં 4.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. રોહતકમાં છ ડિગ્રી અને ગુરુગ્રામમાં 6.9 ડિગ્રી તાપમાન અનુભવાયું હતું. સિરસામાં છ ડિગ્રી જેટલું નીચુ તાપમાન અને અંબાલામાં 9.6 ડિગ્રી સેલ્સિયસથી ઊંચુ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત નાગપુરમાં વાવાઝોડાની સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(12:51 am IST)