Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

શ્રીલંકામાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો : એક કિલો બટેટાના અધધધ 200 રૂપિયા

એક કિલો મરચાંનો ભાવ 710 રૂપિયા થઇ ગયો : કોબી 240 રૂપિયા. ગાજર 200 રૂપિયા :આયાત ન થવાથી મિલ્ક પાવડરની પણ તીવ્ર તંગી

ચીનના દેવા હેઠળ ફસાયેલા શ્રીલંકામાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો છે. દેવાળું ફૂંકવાના આરે પહોંચેલા શ્રીલંકામાં ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘવારી એટલી બધી વધી ગઇ છે કે અનેક લોકોને એક ટંક ભોજન મેળવવાના પણ ફાંફા પડી રહ્યા છે. શ્રીલંકાની એક સંસ્થાએ મોંઘવારીને લઇને આંકડાઓ જાહેર કર્યા છે.

જે મુજબ ખાદ્ય વસ્તુઓમાં છેલ્લા એક મહિનામાં જ 15 ટકાનો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ શાકભાજીની કિંમતમાં થયેલો અધધધ વધારો જવાબદાર છે. શ્રીલંકામાં શાકભાજીના ભાવ એટલા વધ્યા છે કે જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય.

ભારતનો પડોશી દેશ શ્રીલંકા દેવાળું ફૂંકવાના આરે પહોંચતા નાગરિકોની હાલત ખૂબ જ કફોડી થઇ ગઇ છે. શ્રીલંકામાં મોંઘવારીએ એવી માઝા મુકી છે કે રોજિંદી ખાણી-પીણીની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

શ્રીલંકાની એડવોકેટા ઇન્સ્ટીટ્યૂટે મોંઘવારીને લઇને નવા આંકડાઓ જાહેર કર્યા છે. સંસ્થાનો બાથ કરી ઇન્ડિકેટર(બીસીઆઇ) દેશમાં છૂટક મોંઘવારી દરના આંકડાઓ જાહેર કરે છે. જે મુજબ છેલ્લા એક મહિનામાં જ એટલે કે નવેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં 15 ટકા જેટલો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં થયેલો વધારો જવાબદાર મનાય છે.

શ્રીલંકામાં થોડા સમય પહેલા 100 ગ્રામ મરચાંનો ભાવ 18 રૂપિયા હતો પરંતુ હવે તે વધીને સીધો જ 71 રૂપિયા થઇ ગયો છે. મતલબ કે એક કિલો મરચાંનો ભાવ 710 રૂપિયા થઇ ગયો છે. એક જ મહિનામાં મરચાંની કિંમતમાં 287 ટકાનો વધારો થયો છે. આ જ પ્રકારે રીંગણાની કિંમતમાં 51 ટકા. લાલ ડુંગળીની કિંમતમાં 40 ટકા અને ટમેટાની કિંમતમાં 10 ટકાનો વધારો થઇ રહ્યો છે. લોકોએ એક કિલો બટેટા માટે પણ 200-200 રૂપિયા ચૂકવવાની નોબત આવી છે. બીજી તરફ આયાત ન થવાથી મિલ્ક પાવડરની પણ તીવ્ર તંગી પ્રવર્તી રહી છે.

  શાકભાજીના ભાવ પર નજર કરીએ તો. ટમેટાનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે. જ્યારે કે રીંગણાનો ભાવ 160 રૂપિયા છે. ભીંડાનો ભાવ પણ 200 રૂપિયા છે. તો કારેલા 160 રૂપિયાના ભાવે મળે છે. વટાણા તેમજ અન્ય બીન્સ 320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. તો કોબી 240 રૂપિયા. ગાજર 200 રૂપિયા અને કાચા કેળા 120 રૂપિયાના કિલો મળે છે. સરવાળે 2019 બાદથી શાકભાજીની કિંમત બમણી થઇ ગઇ છે. મતલબ કે ચાર વ્યક્તિના પરિવાર કે જેમણે ડિસેમ્બરમાં ખાદ્ય ચીજ પાછળ દર અઠવાડિયે 1 હજાર 165 રૂપિયા ખર્ચ કર્યા હતા તેમણે હવે એટલી જ વસ્તુઓ માટે 1 હજાર 593 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. વધતી મોંઘવારીને કારણે અનેક લોકોને એક ટંકનું પેટ ભરીને ખાવાનું પણ નસીબ નથી થતું. જો સ્થિતિ આવી ને આવી જ રહી તો શ્રીલંકાના નાગરિકોની હાલત અતિ કફોડી બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

(1:12 am IST)