Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ટમેટા ૧ રૂપિયે કિલોગ્રામ પણ ન વેચાતા ક્રોધિત ખેડૂતોએ ૫૦ કિવન્ટલ ઉપજ પર ટ્રેકટર ફેરવી દીધું

કોરોના વાયરસ ખેડૂતોની આર્થિક રીતે પણ કમર તોડી રહ્યો છે : નુકસાની વેઠતા ખેડૂતોએ વિરોધ દર્શાવવા ભર્યું આ પગલું

મુજફફરપુર તા. ૧૧ : બિહારમાં કોરોના કહેરની વચ્ચે મુજફફરપુરથી ખેડૂતોની દુર્દશાની હૃદયદ્રાવક તસવીરો સામે આવી રહી છે. જિલ્લામાં કોરોના શાકભાજી ઉગાડતા ખેડૂતોની કમર તોડી રહ્યું છે. ખાસ કરીને ટમેટા પકવતા ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે. વિસ્તારમાં શાકભાજીને સુરક્ષિત રાખવા માટે કોઈ કોલ્ડ સ્ટોરેજ નથી જે મુશ્કેલીનું મોટું કારણ છે. આ કારણે જિલ્લાના શાકભાજી ઉગાડતા ખેડૂતો બજાર ન મળવાથી શાકભાજીને રસ્તા પર ફેંકી રહ્યા છે.

મુજફફરપુરના મીનાપુરના મજૌલિયા ગામમાં શાકભાજીની ખેતી મોટાપાયે થાય છે અને રોજ શાકભાજી ગામથી વિવિધ વિસ્તારોના માર્કેટો સુધી પહોંચે છે. લોકડાઉનના કારણે જે ખેડૂતો ૧૧ વાગ્યા સુધી પોતાની શાકભાજી મોકલી નથી શકતા, તેમની ઉપજ બીજા દિવસે ખરાબ થઈ જાય છે. આ કારણે ખેડૂતો નારાજ છે અને આ જ કારણ છે કે ખેડૂતો ટમેટાંને રસ્તા પર ફેંકી વિરોધ દર્શાવી રહ્યા છે.

શાકભાજી ઉગાડતા ખેડૂત મુન્ના ભગતે જણાવ્યું કે લગ્નની સીઝનમાં ગામમાં ટમેટાનું સારું વેચાણ થતું હતું. વિસ્તારના ગંજ બજાર અને નેઉરા બજારમાં શહેરના વેપારી આવીને ટમેટાં ખરીદીને લઈ જતાં હતા પરંતુ લગ્ન પ્રસંગો પર લોકડાઉનની અસર થતાં ટમેટાંની ખપત નથી થઈ રહી.

ઉપજ વધુ થતાં મીનાપુરથી ટમેટાંની ખેપ નેપાળ લઈ જવામાં આવતી હતી પરંતુ લોકડાઉનમાં નેપાળનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. એવામાં ટમેટાંની કિંમત ૧ રૂપિયે કિલો પણ નથી મળી રહી. આ જ કારણે આક્રોશિત ખેડૂતોએ ૫૦ કિવન્ટલ ટમેટાં રોડ પર ફેંકી દીધા અને તેની પર ટ્રેકટર ફેરવી દીધું. ખેડૂતોની માંગ છે કે કૃષિ અને ઉદ્યાન વિભાગ તરફથી મીનાપુર વિસ્તારમાં શાકભાજીને સુરક્ષિત રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે. જેથી અહીં વેચાયા બાદ વધેલી શાકભાજીને કોલ્ડ સ્ટોરેજમાં રાખીને બગડતી અટકાવી શકાય.

(11:14 am IST)