Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પાડોશીને પ્રાધાન્ય આપશે: શ્રીલંકાને સંકટનો કરવા હરસંભવ મદદ યથાવત રાખશે ભારત

2022માં શ્રીલંકાને 3.5 અબજ ડોલરની સહાય આપી :વશ્યક વસ્તુઓની અછતને દૂર કરવા માટે ભારત તરફથી ઘણી મદદ અપાઈ

નવી દિલ્હી : શ્રીલંકામાં વર્તમાન સંકટ પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતની પહેલા પડોશી નીતિનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દર બાગચીએ કહ્યું કે શ્રીલંકા સાથે ભારતના ઐતિહાસિક સંબંધો છે . પડોશીઓ તરીકે, અમે શ્રીલંકામાં લોકશાહી, સ્થિરતા અને આર્થિક પુનઃપ્રાપ્તિને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને ચાલુ રાખીએ છીએ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દર બાગચી એ કહ્યું કે પડોશી દેશોને પ્રાધાન્ય આપવાની તેની નીતિને ધ્યાનમાં રાખીને, ભારતે અત્યાર સુધીમાં વર્તમાન સંકટનો સામનો કરવા માટે વર્ષ 2022માં શ્રીલંકાને 3.5 અબજ ડોલરની સહાય આપી છે. આવશ્યક વસ્તુઓની અછતને દૂર કરવા માટે ભારત તરફથી ઘણી મદદ આપવામાં આવી છે.

ખોરાક, દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓ ભારતમાંથી સપ્લાય કરવામાં આવી છે. શ્રીલંકાના હિત માટે ભવિષ્યમાં પણ પ્રયાસો ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ભારત શ્રીલંકાના લોકોના શ્રેષ્ઠ હિતમાં લોકતાંત્રિક રીતે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયાઓ પર કામ કરવાનું ચાલુ રાખશે.

 

ભારત સરકારની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે સોમવારે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકામાં સરકાર વિરોધી અને સમર્થકો વચ્ચે ઉગ્ર હિંસા થઈ હતી. 12 સાંસદોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હિંસામાં ઓછામાં ઓછા 8 લોકોના મોતના અહેવાલ છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાજધાની કોલંબોમાં પરિસ્થિતિને સંભાળવા માટે સેનાને તૈનાત કરવામાં આવી છે.

મહિન્દા રાજપક્ષેએ તેમના રાજીનામામાં કહ્યું હતું કે તેઓ સર્વપક્ષીય વચગાળાની સરકારની રચનાનો માર્ગ સાફ કરવા માટે વડા પ્રધાન પદ છોડી રહ્યાં છે. મહિન્દા રાજપક્ષેના રાજીનામા સાથે કેબિનેટ આપોઆપ વિસર્જન થઈ ગયું છે. દેશમાં એક પ્રકારનું રાષ્ટ્રપતિ શાસન છે. મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના હાથમાં દેશની કમાન આવી ગઈ છે.

શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદ થયા પછી અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કટોકટી મુખ્યત્વે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઊભી થઈ હતી, જેનો અર્થ છે કે દેશ મુખ્ય ખોરાક અને ઇંધણની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે. 9 એપ્રિલથી સમગ્ર શ્રીલંકામાં હજારો વિરોધીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, કારણ કે સરકાર પાસે આયાત માટે નાણાં પૂરા થઈ ગયા છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે.

(10:00 pm IST)