Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની પ્રક્રિયા શરૂ

મુંબઈ મ્યુનિ, કોર્પોરેશન સહિત રાજ્યની 14 નગરપાલિકાઓને 17 મે સુધીમાં અંતિમ વોર્ડ સ્ટ્રક્ચર નોટિફિકેશન બહાર પાડવાનો આદેશ

મુંબઈ :સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે (10 મે) મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન સહિત રાજ્યની 14 નગરપાલિકાઓના સંબંધમાં એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનોને 17 મે સુધીમાં અંતિમ વોર્ડ સ્ટ્રક્ચર નોટિફિકેશન બહાર પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. પંચના આ આદેશને પગલે રાજકીય ગતિવિધિઓમાં હલચલ જોવા મળી છે. વિવિધ પક્ષોની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર, વસઈ-વિરાર, પુણે, પિંપરી-ચિંચવડ, કોલ્હાપુર, અમરાવતી, નાગપુર, અકોલા, સોલાપુર અને નાસિકની મહાનગર પાલિકાઓની મુદત પૂરી થઈ ગઈ છે.

રાજ્ય સરકારે એવી નીતિ અપનાવી હતી કે, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાયેલ ઓબીસી રાજકીય અનામત પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ચૂંટણીની તારીખો લંબાવવામાં આવે. આ કારણોસર, રાજ્ય સરકારે ચૂંટણીના સમયપત્રક અને તારીખની જાહેરાત કરવાનો અધિકાર પોતાના હાથમાં લીધો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ સુધારાને પણ રદ કરી દીધો હતો અને રાજ્ય ચૂંટણી પંચને નગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી છે.

28 જાન્યુઆરીએ વોર્ડ સ્ટ્રક્ચરના ડ્રાફ્ટને માન્યતા આપ્યા બાદ 1 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વાંધા અરજી કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. આ પછી 4 માર્ચે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રક્રિયાને રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. ઓબીસી આરક્ષણ રદ કરતી વખતે કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં અનામત 50 ટકાની મર્યાદાને વટાવી ન શકે. સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી રદ થવાને કારણે ફાઈનલ ડ્રાફ્ટ બહાર પાડી શકાયો નથી. હવે મંગળવારે (10 મે) સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજ્ય ચૂંટણી પંચે પણ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

રાજ્ય ચૂંટણી પંચના આદેશ અનુસાર 11મી મે સુધીમાં વોર્ડનું માળખું તૈયાર કરવા જણાવાયું છે. તેને મંજૂર કરવાની તારીખ 12 મે છે. 17મી મેના રોજ ફાઈલ વોર્ડ સ્ટ્રક્ચરની યાદી જાહેર થવાની છે.

 

   
(11:04 pm IST)