Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ભાજપમાં હિંમત હોય તો તાજમહેલ અને લાલ કિલ્લાને મંદિર બનાવીને દેખાડે :મેહબૂબા મુફ્તીએ ફેંક્યો પડકાર

તેમણે કહ્યું- ભાજપ લોકોને રોજગારી આપી શકતું નથી,પાર્ટી મોંઘવારી પર અંકુશ લાવવામાં અસમર્થ છે. દેશની સંપત્તિ વેચાઈ રહી છે.આપણો દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળથી પણ પાછળ રહી ગયો છે. પરંતુ આ લોકોને આની પરવા નથી

નવી દિલ્હી :વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે તાજમહેલના સર્વેની પણ માંગ ઉઠી છે. પક્ષોનું માનવું છે કે તાજમહેલના 22 બંધ ઓરડાઓ ખોલવા જોઈએ કારણ કે તેમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. આ અંગે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન પીડીપી અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ તાજમહેલને લઈને ભાજપને મોટો પડકાર આપ્યો છે

  મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો તાજમહેલ અને લાલ કિલ્લાને મંદિર બાનવીને દેખાડો અને પછી જોઈએ કે ભારતમાં કેટલા લોકો તેમને જોવા આવશે. તેમણે કહ્યું કે ભાજપ લોકોને રોજગારી આપી શકતું નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે. પાર્ટી મોંઘવારી પર અંકુશ લાવવામાં અસમર્થ છે. દેશની સંપત્તિ વેચાઈ રહી છે. આજે આપણો દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળથી પણ પાછળ રહી ગયો છે. પરંતુ આ લોકોને આની પરવા નથી

મહેબૂબાએ કહ્યું કે લોકોને મુસ્લિમોની પાછળ લગાવવામાં આવી રહ્યા છે. તેમાં મસ્જિદોથી લઈને તાજમહેલ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. દેશના પૈસા લૂંટીને ભાગી ગયેલા લોકોને પાછા લાવવાને બદલે આ લોકો મુઘલ કાળમાં બનેલી મિલકતોનો નાશ કરવા માગે છે.

તાજમહેલમાં હિંદુ મૂર્તિઓ હોવાના દાવા સાથે લખનૌ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ સાથે તાજમહેલનો સર્વે કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજમહેલ પર એક શિવ મંદિર હતું અને ઈમારતના 22 બંધ રૂમમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, એટલા માટે આ રૂમો ખોલવાની વાત આ અરજીમાં કહેવામાં આવી છે.

જ્ઞાનપવી મસ્જિદના સર્વેને લઈને દેશમાં પહેલાથી જ વિવાદ વધ્યો છે. હવે તાજમહેલને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપની માંગ છે કે જ્ઞાનવાપીનો સર્વે સાચો છે અને તેનું સત્ય લોકો સમક્ષ આવવું જોઈએ કે મંદિર તોડીને અહીં કેવી રીતે મસ્જિદ બનાવવામાં આવી છે.

(12:36 am IST)