Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વાહ ! હવે નાના બાળકો માટે પણ રેલવેમાં મૂકવામાં આવી ‘સ્‍પેશિયલ બર્થ'

નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓને બર્થ પર બાળક સાથે સૂવું મુશ્‍કેલ બને છે : તેને ધ્‍યાનમાં રાખીને ઉત્તર રેલવેએ લોઅર બર્થમાં બેબી બર્થ લગાવી છે : હાલમાં આ સુવિધા માત્ર એક જ ટ્રેનમાં શરૂ કરવામાં આવી છેઃ બાળક સાથે માતા કરશે આરામદાયક યાત્રા

નવી દિલ્‍હી તા. ૧૧ : ભારતીય રેલ્‍વે મુસાફરોની સુવિધામાં સતત વધારો કરી રહી છે. આ દરમ્‍યાન માં રેલવેએ મહિલાઓ માટે એક નવી સુવિધા શરૂ કરી છે નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલા મુસાફરો માટે આ વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. રેલવે દ્વારા પ્રથમ વખત આવી સુવિધા ઉમેરવામાં આવી છે. નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓને બર્થ પર બાળક સાથે સૂવું મુશ્‍કેલ બને છે. તેને ધ્‍યાનમાં રાખીને ઉત્તર રેલવેએ લોઅર બર્થમાં બેબી બર્થ લગાવી છે . હાલમાં આ સુવિધા માત્ર એક જ ટ્રેનમાં શરૂ કરવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે શરૂ થયેલી આ સુવિધાને મુસાફરો તરફથી પ્રતિસાદ મળ્‍યા બાદ વધુ ટ્રેનોમાં વધારી શકાય છે.
ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનદ્વારા લોઅર બર્થમાં બેબી બર્થ લગાવવામાં આવી છે. આ બર્થમાં સ્‍ટોપર પણ લગાવવામાં આવ્‍યું છે, જેથી બાળક સૂતી વખતે નીચે ન પડી જાય. આ સિવાય આ સીટને ફોલ્‍ડ પણ કરી શકાય છે. તે ઉપર અને નીચે પણ કરી શકાય છે. આનાથી તે મહિલાઓને સુવિધા મળશે જેમના નાના બાળકો છે. હાલમાં, આ સુવિધા ફક્‍ત લખનૌ મેલ માં આપવામાં આવે છે. લખનૌ મેલ લખનૌથી નવી દિલ્‍હી અને નવી દિલ્‍હીથી પાછા લખનૌ જાય છે.
ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનના DRMAએ પોતાના સત્તાવાર ટ્‍વિટર હેન્‍ડલ પર ટ્‍વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્‍વીટમાં કહેવામાં આવ્‍યું છે કે લખનૌ મેલના કોચ નંબર 194129/B4માં બર્થ નંબર ૧૨ અને ૬૦માં બેબી બર્થ શરૂ કરવામાં આવી છે, જેથી માતા તેના બાળક સાથે આરામથી મુસાફરી કરી શકે. તેની શરૂઆત ૮ મેથી મધર્સ ડે પર કરવામાં આવી છે.
તેને ટ્રેનના માત્ર એક જ ડબ્‍બામાં લગાવવામાં આવ્‍યું છે. રેલવે આ અંગે મુસાફરોના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે. આશા છે કે આગામી દિવસોમાં વધુને વધુ ટ્રેનોમાં મહિલાઓ માટે આ સુવિધા શરૂ કરવામાં આવશે.

 

(11:13 am IST)