Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાને ૮૭ વર્ષની ઉંમરે પાસ કરી ૧૨માની પરિક્ષા

જેલમાં રહીને કર્યો હતો અભ્‍યાસ : મન હોય તો માળવે જવાય

ચંદીગઢ, તા.૧૧: હરિયાણાના ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાએ રાજકારણની સાથે સાથે અભ્‍યાસ પ્રત્‍યેની પોતાની રૂચી પણ સાબિત કરી છે. તેમણે ગયા વર્ષે હરિયાણા બોર્ડની ૧૦મા અને ૧૨મા ધોરણની પરિક્ષા પાસ કરી હતી. જો કે ટેકનીકલ મુશ્‍કેલીના કારણે તેમને સર્ટીફીકેટ હવે મળ્‍યુ છે.
સોમવારે ભિવાનીમાં વીર શીરોમણી મહારાણા પ્રતાપની ૪૨૮મી જયંતિ સમારોહમાં મુખ્‍ય અતિથ તરીકે પધારેલ ઇન્‍ડીયન નેશનલ લોકદળના નેતા ઓમપ્રકાશ ચૌટાલાને હરિયાણા શિક્ષણ બોર્ડના અધિકારીઓએ તેમની માર્કશીટ અને સર્ટીફીકેટ તેમને આપ્‍યા હતા. તેમને સૌથી વધારે માર્ક અંગ્રેજીમાં ૧૦૦માંથી ૮૮ મળ્‍યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભ્રષ્‍ટાચારના આરોપમાં ચૌટાલા જેલમાં હતા અને તેમણે અભ્‍યાસ તથા પરિક્ષાની તૈયારી જેલમાંથી જ કરી હતી.
તેમની સફળતા માટે અભિનેતા અભિષેક બચ્‍ચને તેમને અભિનંદન આપ્‍યા છે. અભિષેક બચ્‍ચનની થોડા દિવસ પહેલા રીલીઝ થયેલ ફિલ્‍મ ‘દસવી'ની કથા ઓમપ્રકાશ ચૌટલાના જીવનને મળતી આવે છે. તેમાં પણ એક ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાન ભ્રષ્‍ટાચારના આરોપમાં જેલમાં જાય છે અને ત્‍યાંથી જ અભ્‍યાસ કરીને દસમાની પરિક્ષા પાસ કરે છે.૨૦૨૧માં ઓમપ્રકાશ ચૌટાલાનું ૧૨માનું રીઝલ્‍ટ રોકી દેવામાં આવ્‍યુ હતું. હરિયાણા શિક્ષણ બોર્ડનું કહેવુ છે કે જયાં સુધી તેઓ વધારાના વિષય તરીકે અંગ્રેજી અથવા હિંદી વિષયની પરિક્ષા પાસ ના કરે ત્‍યાં સુધી તેમને ૧૨મીમાં પાસ નહીં કરી શકાય. જો કે પછી ચૌટાલાએ અંગ્રેજીની પરિક્ષા આપી અને સફળતાપૂર્વક પાસ પણ કરી લીધી.આટલા વર્ષની ઉંમરે પરિક્ષા આપવી અને પાસ કરવી તે ખરેખર એક મોટી ઉપલબ્‍ધિ છે. ઓમપ્રકાશ ચૌટાલા રાજકારણથી ઘણા સમયથી દૂર છે. તેમની આ સફળતા પર તેમના સમર્થકોએ ખુશી વ્‍યકત કરી છે.

 

(11:59 am IST)