Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દેશદ્રોહના કેસમાં ફસાયેલા છે ૧૩૦૦૦ લોકો

સુપ્રિમના ફેંસલાથી કઇ રીતે મળશે રાહત?

નવી દિલ્‍હી, તા.૧૧: દેશદ્રોહ કાયદા પર ચાલી રહેલી ચર્ચા વચ્‍ચે સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય સંભળાવ્‍યો છે. કોર્ટે આ કાયદા પર હાલ પુરતો સ્‍ટે આપ્‍યો છે. ખાસ વાત એ છે કે કેન્‍દ્ર સરકારે કાયદાની સમીક્ષાની વાત કરી છે. સર્વોચ્‍ચ અદાલત કહે છે કે તે કેટલીક પીઆઈએલને કારણે કાયદાને રદ કરી શકતી નથી, પરંતુ સમીક્ષા પૂર્ણ થાય ત્‍યાં સુધી તેને રોકી શકે છે.

તેના નિર્ણયમાં, સર્વોચ્‍ચ અદાલતે રાજદ્રોહના તમામ પેન્‍ડિંગ કેસો પર રોક લગાવી દીધી છે. આ સાથે પોલીસ અને પ્રશાસનને કેન્‍દ્રની સમીક્ષા પૂર્ણ ન થાય ત્‍યાં સુધી કાયદાની આ કલમનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. ચીફ જસ્‍ટિસ એનવી રમનાએ કહ્યું, ‘જો નવો કેસ નોંધવામાં આવે છે, તો સંબંધિત પક્ષો વહેલી તકે નિકાલ માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે.'

CJIએ કહ્યું કે કેન્‍દ્ર સરકાર પાસે કાયદાનો દુરુપયોગ રોકવા માટે રાજય સરકારોને નિર્દેશ જારી કરવાની સ્‍વતંત્રતા છે. ‘જયાં સુધી પુનઃ તપાસ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી કાયદાની આ જોગવાઈનો ફરીથી ઉપયોગ ન કરવો તે યોગ્‍ય રહેશે,' તેમણે કહ્યું. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેન્‍દ્ર અને રાજયો તપાસ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી કોઈપણ FIR નોંધવા અથવા ૧૨૪એ હેઠળ કાર્યવાહી કરવાનું ટાળે.

CJIએ કહ્યું, ‘યુનિયન ઓફ ઈન્‍ડિયા કાયદા પર પુનર્વિચાર કરશે.' અરજદારોનું કહેવું છે કે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એટર્ની જનરલે હનુમાન ચાલીસા કેસમાં રાજદ્રોહના આરોપનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમજ તપાસ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી તેનો ફરીથી ઉપયોગ નહીં કરવાની વાત કરી હતી.

કેન્‍દ્રએ પ્રસ્‍તાવ મૂક્‍યો છે કે ભવિષ્‍યમાં કલમ ૧૨૪એ હેઠળ એફઆઈઆર પોલીસ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ અથવા તેનાથી ઉપરના રેન્‍કના અધિકારીઓ દ્વારા તપાસ કર્યા પછી જ નોંધવામાં આવશે. સરકારે કહ્યું કે પેન્‍ડિંગ કેસમાં કોર્ટ જામીન પર વહેલી તકે વિચારણા માટે નિર્દેશ આપી શકે છે. અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્‍બલે કહ્યું, ‘દેશભરમાં ૮૦૦ થી વધુ રાજદ્રોહના કેસ નોંધાયેલા છે. ૧૩ હજાર લોકો જેલમાં છે.

રાજદ્રોહ કાયદાની તરફેણમાં ઉભી રહેલી સરકાર તેને પડકારતી અરજીને ફગાવી દેવાની સતત માંગ કરી રહી છે. સરકારે કોર્ટને કહ્યું કે તેણે કાયદાની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્‍યા અનુસાર વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સૂચના બાદ સરકારે આ નિર્ણય લીધો છે.(૨૩.૨૧)

(4:19 pm IST)