Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ઉદ્ધવ ઠાકરે અને પીએમ મોદીની મુલાકાતથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો : પવારે કહ્યું - મારું ગઠબંધન સાથે મળીને લડશે ચૂંટણી

એનસીપી સુપ્રીમોએ કહ્યું --મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પોતાનો કાર્યાકાળ પૂરો કરશે

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને વડાપ્રધાન મોદીની દિલ્હી મુલાકાત બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. આ મુલાકાત બાદ એનસીપીના સુપ્રીમો શરદ પવારે આશા વ્યક્ત કરી છે કે, મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પોતાનો કાર્યાકાળ પૂરો કરશે.  

પવારે પોતાની સહયોગી પાર્ટી શિવસેનાની પ્રસંશા કરતા કહ્યું કે, તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને ગત સપ્તાહે પવારની ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત વચ્ચે એનસીપી અધ્યક્ષનું નિવેદન આવ્યું છે.

NCPના 22માં સ્થાપના દિન સમારોહને સંબોધિત કરતા શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના ગઠબંધન વાળી મહાવિકાસ આઘાડી સરકાર આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરશે. તેમણે સંકેત આપ્યો કે, ત્રણેય પાર્ટી 2024માં આવનારી ચૂંટણી ગઠબંધનમાં લડી શકે છે.

તેમણે કહ્યું કે, આશંકા ઉભી કરવામાં આવી રહી છે કે, રાજ્ય સરકાર કેટલા સમય સુધી ચાલી શકશે? જો કે શિવસેના એવી પાર્ટી છે, જેના પર વિશ્વાસ કરી શકાય તેમ છે. બાલ ઠાકરેએ ઈન્દિરા ગાંધી પ્રત્યે પોતાના વચનનું પાલન કર્યું હતું. સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે અને આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરશે.

શરદ પવારે કહ્યું કે, અમે અલગ-અલગ વિચારધારા ધરાવતી પાર્ટીઓની સરકાર બનાવી. અમે ક્યારેય નહતું વિચાર્યું કે, એક દિવસ શિવસેના સાથે સરકાર બનાવીશુ, કારણ કે અમે ક્યારેય સાથે કામ નહતું કર્યું. જો કે આ અનુભવ સારો રહ્યો અને ત્રણેય પાર્ટીઓ કોરોના મહામારી દરમિયાન એકજૂટ થઈને સારુ કામ કરી રહી છે.

(12:00 am IST)
  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST