Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

૨૦ વર્ષમાં પ્રથમ વખત દુનિયામાં બાળમજૂરીનું પ્રમાણ વધ્યું: ૧૦માંથી એક બાળક મજૂર

મહામારીના કારણે આર્થિક તંગી વધી હોવાથી ગરીબ પરિવારના બાળકો મજૂરી કરવા મજબૂર : ૧૬થી ૨૦ કરોડ બાળકો મજૂરી કરતા હોવાનો અંદાજ

નવી દિલ્હી, તા. ૧૧ : સંયુકત રાષ્ટ્રસંદ્ય સંલગ્ન સંસ્થાઓ - યુનિસેફ અને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને એક સંયુકત અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે ૨૦ વર્ષમાં પ્રથમ વખત દુનિયામાં બાળમજૂરીનું પ્રમાણ વધ્યું છે. મહામારીના કારણે આફ્રિકન-એશિયન દેશોના ગરીબ પરિવારોના બાળકો મજૂરીમાં ધકેલાયા હોવાથી બાળમજૂરોની સંખ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે. દર ૧૦માંથી એક બાળક મજૂરી કરી રહ્યો છે.

યુનિસેફ અને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને એક સંયુકત અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે કોરોના મહામારીના કારણે દુનિયાભરના દેશોમાં લોકડાઉન થયું હતું. બીજા વર્ષે પણ લોકડાઉન કરવું પડયું હોવાથી અસંખ્ય પરિવારો આર્થિક રીતે પાયમાલ થયા છે. એવા પરિવારના બાળકો મજૂરીમાં ધકેલાયા હોવાથી ૨૦ વર્ષમાં પ્રથમ વખત બાળમજૂરોની સંખ્યા વધી ગઈ છે.

યુએન સંલગ્ન સંસ્થાઓએ કહ્યું હતું કે દુનિયામાં સરેરાશ ૧૦માંથી એક બાળક મજૂરી કરે છે. દુનિયામાં અંદાજે ૧૬થી ૨૦ કરોડ બાળમજૂરો અસ્તિત્વમાં છે અને એમાંથી સૌથી વધુ બાળમજૂરો ખેતી ક્ષેત્રમાં કાર્યરત છે. ખાસ તો આફ્રિકન દેશોમાં સૌથી વધુ બાળમજૂરો કામ કરી રહ્યા છે. તે પછી એશિયન દેશોનો સમાવેશ થાય છે. આફ્રિકન દેશોના પાંચથી ૧૪ વર્ષના ૫૦ ટકા બાળકો મજૂરી કરી રહ્યા છે.

૨૦૧૬માં બાળમજૂરોની સંખ્યા વધીને ૧૫.૨ કરોડમાંથી ૧૬ કરોડ થઈ હતી. કોરોના ત્રાટકયો તે પછી ૨૦૨૦ અને ૨૦૨૧માં એ સંખ્યા વધીને ૧૮થી ૨૦ કરોડ થઈ હોવાની શકયતા છે. આફ્રિકાના ગરીબ પરિવારોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. આ પરિવારો ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા હોવાથી બાળકોને મજૂરીમાં ધકેલી દેવામાં આવે છે.

યુનિસેફના કાર્યકારી ડિરેકટર હેનરિટા ફોરે કહ્યું હતું : ૧૨મી જૂને વિશ્વ બાળમજૂર નિષેધ દિવસ મનાવાય છે. બાળમજૂરી નાબુદ કરવાની જાગૃતિ લાવવાના ભાગરૂપે આ દિવસ નક્કી થયો છે. તે પહેલાં દર વર્ષની જેમ યુનિસેફ આંકડાં જાહેર કરે છે. આ વર્ષે સ્થિતિ વધારે બદતર થઈ ગઈ છે. બાળમજૂરી નાબુદ કરવાનું લક્ષ્યાંક પાછું ઠેલાઈ જશે.

યુનિસેફ અને મજૂર સંગઠનના અહેવાલમાં કહેવાયું હતું કે ૨૦૨૫ સુધીમાં બાળમજૂરી સાવ નાબુદ થાય તે દિશામાં પ્રયાસો શરૂ થયા છે. કોરોના મહામારીના કારણે બધા દેશો માટે બાળમજૂરી નાબુદ કરવાનો પડકાર વધારે વિકટ બનશે. શાળા-કોલેજો બંધ હોવાથી પણ બાળમજૂરીનું પ્રમાણ વધ્યું છે. જો શાળાઓ ફરીથી શરૂ થશે તો ઘણાં બાળકો બાળમજૂરીમાંથી મુકત થશે.

યુનિસેફે બધા જ દેશોની સરકારોને બાળમજૂરી નાબુદ કરવા વિશેષ પ્રયાસો કરવાની વિનંતી કરી હતી અને બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

(10:35 am IST)