Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કેરળમાં ઉલટી ગંગાઃ બચકાં ભરવામાં બિલાડીઓનો ત્રાસ

છ મહિનામાં ૨૮,૧૮૬ લોકોને બિલાડીએ બચકાં ભરતા સારવાર લીધી

તિરુવનંતપુરમ, તા.૧૧: લોકોને કરડવાની બાબતમાં કોણ સૌથી વધુ ખતરનાક છે કૂતરો કે બિલાડી? સામાન્ય રીતે આ પ્રશ્નનો જવાબ સરળ છે. કોઈને પણ પૂછશો તો કહેશે કે, કૂતરાના તીક્ષ્ણ દાંત હોવાથી કરડવાની બાબતમાં તે સૌથી વધુ ખતરનાક હોય છે. કેરળમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે. રાજયના આરોગ્ય વિભાગ આપેલા આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, કેરળમાં કૂતરાઓની તુલનાએ બિલાડીઓએ લોકોને વધુ બચકાં ભર્યા છે.

એક આરટીઆઈના જવાબમાં રાજયના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, કૂતરાએ બચકાં ભર્યા હોય તેની કરતા બિલાડીએ બચકાં ભર્યા હોય તેવા વધુ લોકોએ સારવાર લીધી છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કુલ ૨૮,૧૮૬ કેસ સામે આવ્યા હતા જેમાં લોકોને બિલાડીએ બચકાં ભર્યા હોય. બીજીતરફ કૂતરું કરડવાના ૨૦,૮૭૫ કેસ સામે આવ્યા હતા.

આ સાથે જ ૨૦૧૩ થી ૨૦૨૧ સુધીમાં લોકોને કૂતરા અને બિલાડી કરડ્યા હોય તેના આંકડા અને લોકોને હડકવાની રસી આપવામાં આવી હોય તેના આંકડા પણ આરટીઆઈમાં જાહેર કરવામાં આવ્યા હતા. ૨૦૧૬ના આંકડા મુજબ ૧,૬૦,૫૩૪ લોકોએ બિલાડી કરડવાની સારવાર લીધી હતી જયારે તેની તુલનાએ ૧,૩૫,૨૧૭ લોકોએ કૂતરું કરડવાની સારવાર લીધી હતી. 

૨૦૧૭માં બિલાડીએ બચકાં ભર્યાની સંખ્યા વધીને ૧,૬૦,૭૮૫ થઈ હતી, ૨૦૧૮માં ૨,૦૪,૬૨૫ અને ૨૦૧૯ તેમજ ૨૦૨૦માં ૨,૧૬,૫૫૧ લોકોને બિલાડી કરડી હતી. ૨૦૧૪ થી ૨૦૨૦ના તુલનાએ કરતા લોકોને બિલાડી કરડવાના બનાવમાં ૧૨૮ ટકાનો વધારો નોંધાયો હતો. ગત વર્ષે પાંચ લોકોને હડકવા થયો હતો અને એક દર્દીનું મોત થયું હતું.

લોકોએ પ્રાણી કરડવાની વાતને સરળતાથી લેતા બાદમાં તેના ગંભીર પરીણામ ભોગવવા પડે છે. સામાન્ય રીતે બિલાડી માનવ પર જલ્દીથી હુમલો કરતી નથી પરંતુ તેના તીક્ષ્ણ દાંત અને નખ વાગવાથી લોકોને હડકવાની રસી આપવી પડે છે. આ પ્રકારે બિલાડીએ નખોરિયા માર્યા હોય તેને પણ મેડિકલ ડેટામાં બાઈટ તરીકે ગણવામાં આવ્યા છે. આમ દક્ષિણના રાજયમાં કૂતરાની તુલનાએ બિલાડી કરડવાની દ્યટનાઓ વધુ નોંધાઈ હોવાનું જણાયું હતું.

(3:58 pm IST)