Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મ્યૂકર માઈકોસિસ”ના કેસોમાં મોટો ઉછાળો : દેશમાં બ્લેક ફંગસના કુલ 31,216 દર્દીઓ નોંધાયા : જ્યારે 2,109ના મોત સાથે છેલ્લા 3 અઠવાડિયામાં 150 ટકાના દરે કેસો વધતા ચિંતા : બ્લેક ફંગસના દર્દીઓની સારવાર માટે જરૂરી દવા એમ્ફોટેરિસિન-બીની કમીના કારણે પણ મૃત્યુઆંકમા ઉછાળો

નવી દિલ્હી: જ્યાં એક તરફ દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે, ત્યાં બ્લેક ફંગશ અર્થાત “મ્યૂકર માઈકોસિસ”ના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં બ્લેક ફંગસના કુલ 31,216 દર્દીઓ નોંધાયા છે, જ્યારે 2,109ના મોત સાથે છેલ્લા 3 અઠવાડિયામાં 150 ટકાના દરે કેસો વધી રહ્યાં છે. બ્લેક ફંગસના દર્દીઓની સારવાર માટે જરૂરી દવા એમ્ફોટેરિસિન-બીની કમીના કારણે પણ મૃત્યુઆંક વધી રહ્યો છે.

બ્લેક ફંગસના કેસોમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. રાજ્યમાં અત્યાર સુધી મ્યૂકર માઈકોસિસના 7,057 કેસ નોંધાયા છે, જ્યારે 609 દર્દીઓના મોત થયા છે. જ્યારે બીજા નંબર પર રહેલા ગુજરાતમાં 5,418 કેસ અને 323 મરણ નોંધાયા છે. 2,976 કેસ સાથે રાજસ્થાન ત્રીજા ક્રમે છે. જો કે મરણની દ્રષ્ટિએ 188 મોત સાથે કર્ણાટક ત્રીજા ક્રમે છે.

ગત 25મીં મેના રોજ મહારાષ્ટ્રમાં 2770 બ્લેક ફંગસના કેસ હતા. જ્યારે એજ દિવસે ગુજરાતમાં 2,859 કેસ નોંધવામાં આવ્યા હતા. સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 1,744 કેસ અને 142 મરણ નોંધાયા છે. જ્યારે પડોશી દિલ્હીમાં 1200 કેસ અને 125 મોત થઈ છે. 25મીં મેના રોજ ઉત્તર પ્રદેશમાં 701 કેસ હતા, જ્યારે દિલ્હીમાં 119 કેસ સામે આવ્યા હતા.

કેન્દ્ર સરકારે પોતાના તરફથી દરેક રાજ્યોને બ્લેક ફંગસને મહામારી જાહેર કરવા કહ્યું હતું. જેનો અર્થ છે કે, બ્લેક ફંગસના તમામ શંકાસ્પદ કેસોની વિગતો સ્વાસ્થ્ય મંત્રાલયને આપવી પડશે.

(4:09 pm IST)