Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પ્રેમાંધ પરીણિતાને પતિએ પ્રેમી સાથે રહેવા મંજૂરી આપી દીધી

બિહારના ઔરંગાબાદનો રસપ્રદ ચકચારી કિસ્સો : પ્રેમિની સાથે ભાગી ગયેલી મહિલાને પોલીસે પણ બહુ સમજાવ્યા બાદ નહીં માનતા પતિએ આખરે છોડી દીધી

ઔરંગાબાદ, તા. ૧૧ : બિહારના ઔરંગાબાદમાં 'પતિ-પત્ની ઓર વો'નો રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક પરિણીત મહિલા તેના પ્રેમીના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે તેણે પતિને છોડીને તેની સાથે લગ્ન કરવાની જીદ કરી દીધી. પતિએ તેને આવું ન કરવા માટે ઘણી સમજાવી, પરંતુ તે સંમત ન થઈ. આ દરમિયાન તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, ત્યાં પણ મહિલાને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમે છતાં પરિણીતા ન માની તો આખરે પતિએ પત્નીને પ્રેમી સાથે રહેવાની સંમતિ આપી દીધી.

રફીગંજમાં રહેતા ભગવાન પ્રસાદના પુત્ર યમુના પ્રસાદના લગ્ન બે વર્ષ પહેલા ગયા જિલ્લાના બૈકઠકુણ્ડમાં રહેતા આનંદી પાસવાનની પુત્રી ગુડિયા કુમારી સાથે થયા હતા. પતિ યમુના પ્રસાદે જણાવ્યું હતું કે લગ્ન બાદ પત્ની પડોશી યુવક મન્ટુ કુમાર સાથે પ્રેમ સંબંધમાં ફસાઈ ગઈ હતી. આ અંગે તેમણે મન્ટુના પરિવાર અને તેની પત્ની ગુડિયાના પરિવારના સભ્યો સાથે વાત કરી. તેને ઘણી સમજાવી પરંતુ પત્ની મારી સાથે રહેવા તૈયાર નથી.

યમુના પ્રસાદના જણાવ્યા મુજબ, બંને બે દિવસ પહેલા ગામથી ભાગી છૂટ્યા હતા. સબંધીઓની ફરિયાદ બાદ પોલીસની મદદથી બન્નેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. કંટાળી ગયેલા પતિએ પત્નીને તેના પ્રેમી સાથે રહેવા સંમતિ આપી.

પ્રેમી મન્ટુ કુમારે જણાવ્યું કે, અમારા બંને વચ્ચે બે વર્ષથી પ્રેમ સંબંધ છે. અમે બંને એક સાથે ગુડિયાના ઘરે રહ્યા હતા. તો બીજી તરફ ગુડિયાએ પણ કહ્યું કે હું મારા પતિ યમુના પ્રસાદ સાથે રહેવા નથી માગતી, કારણ કે મારા પતિ નશો કરે છે અને તે મારી સાથે મારઝૂડ પણ કરે છે. તેથી તેને છોડીને, હું મારા બોયફ્રેન્ડ મન્ટુ સાથે રહીશ.

(7:41 pm IST)