Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

બંગાળ ભાજપમાં કોઇ નહીં રહે, TMCમાં જોડાતા મુકુલનો દાવો

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મમતાના ટીએમસીમાં જોડાઈ ગયા : મુકુલ રોયે ટીએમસી સાથે ૨૦૧૭માં છેડો ફાડ્યો એ પછી તેમણે TMCના ઘણા નેતાઓને ભાજપ જોઈન કરાવ્યું : ઘર વાપસીના કારણ પર ફોડ ન પાડ્યો

કોલકાતા, તા. ૧૧ : મુકુલ રોયે ભારતીય જનતા પાર્ટી છોડી દીધી છે અને ફરી એક વખત તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. શુક્રવારે બપોરે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મુકુલ રોય અમારો પુત્ર છે, ત્યારે મુકુલ રોયે કહ્યું, હું ખુશ છું કે હું જૂની પાર્ટીમાં પાછો આવ્યો છું. બંગાળ તેની સ્થિતિ પર પાછું ફરવા માગે છે, અને અમે તેનું નેતૃત્વ કરીશું. આ દરમિયાન રોયે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, બંગાળમાં જે સ્થિતિ છે એઅ જોતાં ભાજપમાં કોઈ રહેશે નહીં. જોકે, મુકુલ રોયને ૪ વર્ષ પછી ફરીથી ટીએમસીમાં જોડાવાનું કારણ પૂછાયું ત્યારે તેમણે કહ્યું, હું મારા ઘરે પાછા આવવાનું કારણ પછી કહીશ. બુધવારે, ટીએમસીના વરિષ્ઠ નેતા સૌગાતા રોયે સંકેત આપ્યો હતો કે મુકુલ રોય પાર્ટીમાં પાછા ફરશે. તેમણે કહ્યું હતું કે, મુકુલ રોય કદાચ ટીએમસી છોડીને ભાજપમાં ગયા હતા, પરંતુ તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કશું કહ્યું નહીં. જોકે શુક્રવારે રોયને ટીએમસીમાં જોડાવા માટે ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે વિશ્વાસઘાતીઓને ફરીથી પાર્ટીમાં સ્થાન નહીં મળે.

ઉલ્લેખનીય છે કે મુકુલ રોય વર્ષ ૨૦૧૭ માં ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા, અને આ વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ટીએમસીના ઘણા નેતાઓને ભાજપમાં જોડાવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા કહેવામાં આવી રહી હતી. પરંતુ ચૂંટણી બાદ મુકુલ રોયનો ભાજપથી 'ભ્રમ' થયાના અહેવાલો આવ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે મુકુલ રોય અને તેમની પત્ની કોરોના સંક્રમણની લપેટમાં આવ્યા, ત્યારે ભાજપના નેતાઓએ તેમની શોધમાં વધુ સમય લીધો ન હતો. પરંતુ બાદમાં જ્યારે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી તેમને મળવા આવ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુકુલ રોય સાથે ફોન પર વાત કરી. જો કે તે સમયે રોયે ટ્વીટના આ અહેવાલોને ફગાવી દીધા હતા અને પોતાને ભાજપનો સૈનિક ગણાવ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને એક પછી એક નેતાઓ છોડી રહ્યા છે. જોકે એક સમયે ટીએમસીમાં રહેલા અને ભાજપમાં જોડાયેલા રાજ્યના દિગ્ગજ નેતા અને ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ મુકુલ રોય ફરી ટીએમસીમાં સામેલ થઇ ગયાછે.

મુકુલ રોયના નિર્ણય બાદ ભાજપની છાવણીમાં સન્નાટો છે. આમ તો ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા એક પછી એક નેતાઓ ટીએમસીમાં જવા માટે ઈચ્છા વ્યક્ત કરી ચુકયા છે પણ મુકુલ રોય ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ પણ છે. તેઓ પોતાના પુત્ર શુભ્રાંશુ રોય સાથે ટીએમસીમાં સામેલ થશે. આમ ચૂંટણી બાદ ચાલી રહેલી અટકળો પર હવે પૂર્ણ વિરામ મુકાયુ છે. ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા પૂર્વ મંત્રી રાજીવ બેનરજી અને અન્ય કેટલાક ધારાસભ્યો પણ ફરી ટીએમસીમાં સામેલ થવાની અટકળો પણ તેજ બની છે. મુકુલ રોય પહેલા એવા નેતા હતા જે ટીએમસી છોડીને ભાજપમાં ગયા છે. હવે તેઓ ટીએમસીમાં સામેલ થવા જઈ રહેલા ભાજપના પહેલા નેતા છે.

મુકુલ રોય તાજેતરમાં કોલકાતામાં થયેલી ભાજપની બેઠકમાં પણ નહોતા દેખાયા. એ પછી તેમની પાર્ટી છોડવાની અટકળો તેજ બની હતી. તાજેતરમાં મુકુલ રોયના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે પણ મમતા બેનરજીના ભત્રીજા અને ટીએમસીના નેતા અભિષેક બેનરજી હોસ્પિટલ પહોંચ્યા હતા. એ પછી મુકુલ રોયની ઘરવાપસી થશે તેવી અટકળો તેજ બની હતી.

મુકુલ રોયે ટીએમસી સાથે ૨૦૧૭માં છેડો ફાડ્યો એ પછી તેમણે ટીએમસીના ઘણા નેતાઓને ભાજપ જોઈન કરાવ્યુ હતુ. હાલમાં તેઓ નદિયા જિલ્લાના ધારાસભ્ય છે. ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ વધારે સક્રિય નહોતા જોવા મળ્યા. તેમણે ઝાઝો પ્રચાર પણ નહોતો કર્યો.

(7:46 pm IST)