Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાજસ્થાનમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એકનો વિજય: ક્રોસ વોટિંગ નહિ થતા ભાજપના ટેકા સાથે લડેલા સુભાષચંદ્રનો પરાજય

કર્ણાટકની ચાર બેઠકોમાંથી ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળી: નાણામંત્રી નિર્મલા સીતારમણનો વિજય: હરિયાણામાં બે અને મહારાષ્ટ્રમાં કુલ છ બેઠકો માટે પરિણામ મોડી રાત્રે જાહેર થશે

રાજસ્થાનમાં રાજ્યસભાની કુલ ૧૦૦ બેઠકો છે.  શુક્રવારે ૪ બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસ તરફથી રણદીપ સુરજેવાલા, પ્રમોદ તિવારી અને મુકુલ વાસનિક ચૂંટણી મેદાનમાં હતા.  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ત્રણેયને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક બેઠક ભાજપના ઘનશ્યામ તિવારીએ જીતી હતી.  જ્યારે અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને હારનો સામનો કરવો પડ્યો છે.  સુભાષ ચંદ્રાને ભાજપે ટેકો આપ્યો હતો પરંતુ તેઓ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા.
જો કે મંગળવારે સુભાષ ચંદ્રાએ જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની જીતનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસના ૮ ધારાસભ્યો તેમના પક્ષમાં ક્રોસ વોટિંગ કરશે પરંતુ એવું થઈ શક્યું નહીં.
કર્ણાટકની કુલ ચાર બેઠકોમાંથી ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળી છે.
કર્ણાટકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, અભિનેતા-રાજકારણી જગેશ અને પૂર્વ એમએલસી લહર સિંહ સિરોયા ભાજપ તરફથી જીત્યા છે.
સાથોસાથ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જીત મેળવી છે.
ભાજપ પાસે માત્ર બે બેઠકો માટે સંપૂર્ણ બહુમતી હતી, પરંતુ કોંગ્રેસ અને જનતા દળ (એસ) વચ્ચે સમજૂતીના અભાવે ત્રીજી બેઠક પણ ભાજપના ખાતામાં ગઈ હતી.
જનતા દળ (એસ)ને રાજ્યસભામાં એક પણ બેઠક મળી નથી.
રાજ્યસભાની ૫૭માંથી ૧૬ બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ હતી. ૪૧ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જીતી ચૂક્યા છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને હરિયાણામાં ૧૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.
આ ઉપરાંત હરિયાણામાં બે અને મહારાષ્ટ્રમાં કુલ છ બેઠકો માટે મતદાન થયું છે, જેના પરિણામો મોડી રાત્રે આવવાના બાકી છે.

(10:01 am IST)