Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે 3 બેઠકો અને કોંગ્રેસે એક બેઠક જીતી : JDSને નિરાશા સાંપડી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ, લહર સિંહ સિરોયા અને અભિનેતા જગેશ હવે ભાજપના રાજ્યસભાના સાંસદ બની ગયા:કોંગ્રેસ રાજ્યમાંથી જયરામ રમેશને રાજ્યસભામાં મોકલવામાં સફળ રહી

રાજ્યસભા ચૂંટણીના પરિણામોમાં કર્ણાટકમાંથી ભાજપ માટે સારા સમાચાર છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એ 3 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 1 બેઠક પર જીત મેળવી છે. બીજી તરફ જેડીએસને નિરાશા સાંપડી છે.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ, લહર સિંહ સિરોયા અને અભિનેતા જગેશ હવે કર્ણાટકમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ બની ગયા છે. તો કોંગ્રેસ રાજ્યમાંથી જયરામ રમેશને રાજ્યસભામાં મોકલવામાં સફળ રહી છે.

કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આજે મતદાન થયું હતું. ચોથી બેઠકના પરિણામો પર શંકા હતી, જેના પર રાજ્યના ત્રણ મુખ્ય પક્ષો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, જ્યારે ત્રણેય પાસે જીતવા માટે જરૂરી મતો નહોતા.

કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ અને પાર્ટીના રાજ્ય એકમના મહાસચિવ મન્સૂર અલી ખાનને મેદાનમાં ઉતાર્યા હતા. કુપેન્દ્ર રેડ્ડી જનતા દળ (સેક્યુલર) તરફથી ઉપલા ગૃહમાં પહોંચવાની રેસમાં સામેલ હતા. રાજ્યમાંથી ઉપલા ગૃહની ચોથી બેઠક માટે સિરોયા, ખાન અને રેડ્ડી વચ્ચે સીધો મુકાબલો માનવામાં આવી રહ્યો હતો. જેડીયુ (સેક્યુલર) એ ગુરુવારે રાત્રે તેના ધારાસભ્યોને એક હોટલમાં શિફ્ટ કર્યા હતા. તેમના કોલારના ધારાસભ્ય શ્રીનિવાસ રેડ્ડીએ પહેલેથી જ કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી દીધી હતી

(11:24 pm IST)