Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પ્રયાગરાજમાં પોલીસ પર દેશી બોમ્‍બ ફેંકાયા, બાળકો દ્વારા પથ્‍થરમારો, ૧૦૯ની ધરપકડ, ગેંગસ્‍ટર એક્‍ટ હેઠળ મિલકત જપ્ત કરવામાં આવશે

વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી

લખનૌ, તા.૧૧: શુક્રવારની નમાજ બાદ હિંસા અને દેખાવોની અલગ-અલગ ઘટનાઓને પગલે ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લામાંથી ૧૦૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નૂપુર શર્મા દ્વારા પ્રોફેટ મોહમ્‍મદ વિશે કરવામાં આવેલી વિવાદાસ્‍પદ ટિપ્‍પણીના વિરોધમાં પ્રયાગરાજમાં વિરોધ કરી રહેલી ભીડ હિંસક બની ગઈ હતી. પ્રયાગરાજના અટાલા વિસ્‍તારમાં દેખાવકારોએ પથ્‍થરમારો કર્યો અને આ દરમિયાન જિલ્લા મેજિસ્‍ટ્રેટ ઘાયલ થયા. અહીં પોલીસકર્મીઓ પર દેશી બોમ્‍બ ફેંકવામાં આવ્‍યા હતા. અટાલા વિસ્‍તારમાં, પોલીસે પરિસ્‍થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્‍યો હતો.

પથ્‍થરમારો કરનાર ટોળું એટલું હિંસક બની ગયું હતું કે પોલીસકર્મીઓને પોતાનો બચાવ કરવામાં મુશ્‍કેલી પડી રહી હતી. પ્રદર્શનકારીઓએ એડીજીના વાહન પર પણ પથ્‍થરમારો કર્યો હતો. પથ્‍થરબાજોમાં મોટી સંખ્‍યામાં સગીર બાળકોનો સમાવેશ થાય છે. પ્રદર્શનકારીઓએ પોલીસની ટ્રકને પણ આગ ચાંપી દીધી હતી.

એડીજી કાયદો અને વ્‍યવસ્‍થા પ્રશાંત કુમારે જણાવ્‍યું હતું કે પોલીસ અને વહીવટીતંત્રના સાર્થક પ્રયાસો છતાં, કેટલાક લોકો દ્વારા ઇરાદાપૂર્વક શાંતિને ખલેલ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્‍યા હતા. આ અંગે ઝડપી કાર્યવાહી કરીને સાંજે ૭:૩૦ વાગ્‍યા સુધી ૧૦૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સહારનપુર, આંબેડકર નગર, ફિરોઝાબાદ, મુરાદાબાદ અને પ્રયાગરાજ એવા મુખ્‍ય જિલ્લા છે જ્‍યાં પોલીસે કાર્યવાહી કરી છે. આવા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે જેમણે તોડફોડ કરી છે. તેમની સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે.

ADG કાયદો અને વ્‍યવસ્‍થાએ જણાવ્‍યું હતું કે તમામ સરકારી, ખાનગી મિલકતો કે જેને નુકસાન થયું છે તે પણ પુનઃપ્રાપ્ત કરવામાં આવશે અને તેમની મિલકતો પણ ગેંગસ્‍ટર એક્‍ટ હેઠળ જપ્ત કરવામાં આવશે. બીજી તરફ ઉત્તર પ્રદેશના અધિક મુખ્‍ય સચિવ ગળહ અવનીશ અવસ્‍થીએ સમગ્ર મામલાને લઈને કહ્યું કે રાજ્‍યમાં શાંતિ અને વ્‍યવસ્‍થા જળવાઈ રહી છે. વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ લોકો સામે એફઆઈઆર નોંધીને ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ એલર્ટ પર છે.

(10:18 am IST)