Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાંચીમાં હિંસા દરમિયાન ઘાયલ થયેલા બે લોકોના મોત

વિવાદાસ્‍પદ ટિપ્‍પણીના વિરોધમાં અને નૂપુર શર્માની ધરપકડની માંગ સાથે શુક્રવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યા હતાઃ યુપીમાં અત્‍યાર સુધીમાં ૧૩૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે

રાંચી, તા.૧૧: રાંચીમાં શુક્રવારે રમખાણ દરમિયાન ગોળી વાગવાથી ઘાયલ થયેલા બે લોકોનું શનિવારે સારવાર દરમિયાન મોત થયું હતું. મળતી માહિતી મુજબ મળતકોમાંથી એકની ઓળખ મુદસ્‍સીર ઉર્ફે કૈફી તરીકે થઈ છે. રાજેન્‍દ્ર ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્‍સ (RIMS) એ બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. તે જ સમયે, ૮ ઘાયલ લોકો સારવાર હેઠળ છે.

 ખબર છે કે નૂપુર શર્માની પ્રોફેટ મોહમ્‍મદ વિશેની વાંધાજનક ટિપ્‍પણી બાદ શુક્રવારે લોકો રસ્‍તા પર ઉતરી આવ્‍યા હતા. મેઈન રોડ વિસ્‍તારમાં મુસ્‍લિમ સમાજના લોકોએ સરઘસ કાઢયું હતું અને નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા હતા. પૂતળાનું પણ દહન કરવામાં આવ્‍યું હતું. આ પછી દેખાવે જોત જોતામાં હિંસક બની ગયું.

રાંચીમાં વિરોધ ઉગ્ર બની જતાં પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને હવામાં ગોળીબાર કર્યો. આ દરમિયાન ટોળાએ જોરદાર પથ્‍થરમારો પણ કર્યો હતો. જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જોકે પોલીસે ભીડને કાબૂમાં લીધી હતી.

પ્રદર્શન હિંસક બન્‍યા પછી, વહીવટીતંત્રે પહેલા રાંચી શહેરના કેટલાક વિસ્‍તારોમાં કફર્યુ લાદ્યો, જે પછીથી સમગ્ર શહેરમાં લાદવામાં આવ્‍યો. કફર્યુ બાદ કેટલાક લોકોએ હિંસાના સ્‍થળોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

રાંચીમાં સ્‍થિતિ શાંત પરંતુ તંગ છે. પ્રશાસન સ્‍પીકરને જાહેરાત કરીને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યું છે. વહીવટીતંત્રના જણાવ્‍યા અનુસાર, જો તેઓ આવું કરશે તો તેમને કસ્‍ટડીમાં લઈ શકાય છે. અફવાઓ પર કાબૂ મેળવવા શહેરમાં ઈન્‍ટરનેટ બંધ કરી દેવામાં આવ્‍યું છે. ગઈકાલની ઘટના બાદ શહેરમાં હિંસાના કોઈ અહેવાલ નથી. આજે અનેક સંગઠનોએ બંધનું એલાન આપ્‍યું છે પરંતુ કલમ-૧૪૪ લાગુ થવાને કારણે બંધ બિનઅસરકારક છે.

ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેને લોકોને અપીલ કરી છે કે તેઓ આવી કોઈપણ પ્રવળત્તિમાં ભાગ લેવાથી દૂર રહે. ૅમને અચાનક આ ચિંતાજનક (વિરોધ) ઘટના વિશે માહિતી મળી. ઝારખંડના લોકો હંમેશાથી ખૂબ જ સંવેદનશીલ અને સહિષ્‍ણુ રહ્યા છે. ગભરાવાની જરૂર નથી. હું બધાને અપીલ કરું છું કે આવી કોઈ પણ પ્રવળત્તિમાં ભાગ લેવાથી બચો.

(10:19 am IST)